ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27, સપ્ટેમ્બર 2021
સોમવાર.
સોનાના ઝવેરાત પર હોલમાર્કિંગ ફરજિયાત કરવાના અને યુનિક આઈડેન્ટીફીકેશન કોડને લઈને દેશભરના ઝવેરીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેમાં કેન્દ્ર સરકારે હવે રીટેલરોને બદલે ઉત્પાદન સ્થળે હોલમાર્કિંગની મંજૂરી આપી દીધી છે. તેનાથી હોલમાર્કિંગ સેન્ટર ચલાવનારાઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં મંગળવારે દેશભરના હોલમાર્કિંગ કેન્દ્ર દ્વારા એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
હોલમાર્કિંગ ચલાવનારા વેપારીવર્ગે આ નિર્ણય સામે નારાજગી વ્યકત કરી છે. તેમના કહેવા મુજબ વર્ષોથી જે હોલમાર્કિંગ સેન્ટર ચલાવે છે, એ સેન્ટરોમાં બિઝનેસ ઘટી જશે. કારીગરો બેકાર થશે. એટલું જ નહીં પણ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને હોલમાર્ક કરવાની મંજૂરી આપવાથી તો હોલમાર્કિગના હેતુ પર જ પાણી ફરી વળશે.
વિશ્વાસે ચાલે છે વેપાર : અફઘાનિસ્તાનથી ફરી એકવાર સુકામેવો આવવાનો શરુ થયો
સરકારના આ નિર્ણયથી દેશભરના 970 હોલમાર્કિંગ સેન્ટરોમાંથી 720 સેન્ટર બંધ કરવાનો વખત આવશે. સરકારના આ નવા ફરમાન બાદ મુંબઈમાં જ મેનુફેકચરોએ 30થી વધુ હોલમાર્કિંગ સેન્ટર શરૂ કરી દીધા છે. તેને પગલે મુંબઈના ઝવેરીબજારમાં આવેલા ખાનગી હોલમાર્કિંગ સેન્ટરમાં આવતા ગ્રાહકોની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો છે. એટલું જ નહીં, પણ હોલમાર્કના માટે જે મજૂરી નક્કી કરવામાં આવી હતી, તે પણ વધારવાની માગણી કરવામાં આવી છે. તેથી જુદી જુદી માગણી સાથે દેશભરના હોલમાર્કિંગ સેન્ટરો મંગળવારે ટોકન સ્ટ્રાઈક પર ઊતરી જવાના છે.