ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જુલાઈ 2021
બુધવાર
કેન્દ્ર સરકારે સોનાનાં ઘરેણાં પર હૉલમાર્કિંગ અને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર લગાડવાનું ફરજિયાત કરી નાખ્યું છે. સરકારના આ નિર્ણયને જોકે અમલમાં મૂકવો અવ્યવહારુ હોવાની ફરિયાદ ઝવેરીઓ કરી રહ્યા છે. સરકારના આ કાયદામાં અનેક અડચણો છે, એથી એમાં સુધારો કરવાની માગણી દેશભરના ઝવેરીઓ દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભમાં કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ સાથે દિલ્હીમાં અનેક બેઠકો થઈ ગઈ છે, પરંતુ હજી સુધી તેઓ કોઈ નિષ્કર્ષ પર આવી શક્યા નથી.
દેશભરમાં 16 જૂનથી સોના પર હૉલમાર્કિંગ ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે. જોકે સરકારે એમાં સપ્ટેમ્બર સુધીની શરતી મુદત વધારી આપી છે. આ કાયદો પ્રૅક્ટિકલી અમલમાં મૂકવો મુશ્કેલીભર્યો હોવાની ફરિયાદ દેશભરના ઝવેરીઓ કરી રહ્યા છે. આ સંદર્ભમાં સરકાર અને BIS સાથે ત્રણથી ચાર વખત મિટિંગ થઈ છે. જેમાં ફરજિયાત હૉલમાર્કિંગનો નિર્ણય પાછો ખેંચવો, ફી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, વધુ પ્રકારના કૅરેટ સમાવવા, જૂના સ્ટૉક પર હૉલમાર્ક કરવા મુદત વધારી આપવા માટે પહેલી સપ્ટેમ્બર સુધીની મુદત આપવા, હૉલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન નંબરને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સરકાર અને BIS વચ્ચે ચર્ચા બાદ પણ સહમતી નથી સધાતી. એથી હાલ પૂરતું આ ઉદ્યોગને ભારે અસર થઈ છે.
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ, મુંબઈના પ્રેસિડન્ટ કુમાર જૈને જણાવ્યું હતું કે અમે પેઢી દર પેઢી આ વ્યવસાયમાં છે. સરકાર આ ધંધામાં ટ્રાન્સપરન્સી લાવવા માગે છે. અમે એની વિરોધમાં નથી. અમે પણ ગ્રાહકો અને અમારા વચ્ચે થતાં વેચાણમાં ટ્રાન્સપરન્સી રાખવામાં માનીએ છીએ, પરંતુ સરકાર હૉલમાર્કિંગ સહિત અનેક કાયદાઓ લાવીને ઇન્સ્પેક્ટર રાજ કરવા માગે છે. ઝવેરીઓ ક્યાં શું કર્યું, કોની સાથે કેવો ધંધો કર્યો, કેટલાનો કર્યો એ રીતનું સરકાર અમારા વ્યવસાયમાં ટ્રેસિંગ કરવા માગે છે. અમે એના વિરોધમાં છીએ. અમે સરકારને સંપૂર્ણ સાથ આપવા તૈયાર છીએ, પરંતુ ખોટી રીતે ઇન્સ્પેક્ટર રાજ લાવીને ઝવેરીઓને હેરાન કરવાનું બંધ થવું જોઈએ.
જોરદાર વેચાણયુદ્ધ શરૂ થયું, ઈ-રિટેલર્સ દ્વારા સસ્તું વેચાણ ચાલુ
ઘાટકોપરમાં પેઢી દર પેઢી વ્યવસાય કરનારા અને ઘાટકોપર જ્વેલર્સ ઍસોસિયેશન સાથે સંકળાયેલા ઝવેરી સુરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય તદ્દન અવ્યવહારુ છે. નાના ઝવેરીઓને હૉલમાર્કિગ કે યુનિક આઇડેન્ટિફિકેશન જેવી ક્યાં ગતાગમ પડે છે. તેમના માટે પ્રૅક્ટિકલી શક્ય જ નથી. નાના નાના દાગીના જેવા કે નાની બાલી હોય, તો એના પર હૉલમાર્કિંગ કરવું પણ શક્ય નથી. સરકારનો આ નિર્ણય ઉતાવળિયો અને અગવડિયો છે. પહેલાંથી લૉકાડઉનમાં ધંધો ડાઉન થઈ ગયો છે, એમાં સરકારના આવા કાયદાને કારણે અમારે વ્યવસાય કરવો મુશ્કેલ બની રહ્યો છે.