ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
હાર્લી ડેવિડસનના ચાહકો માટે એક માઠા સમાચાર આવી રહયાં છે. અમેરિકા સ્થિત ફ્લેગશિપ મોટરસાયકલ ઉત્પાદક હાર્લી ડેવિડસન ભારતમાં તેનું ઉત્પાદન અને વેચાણ કામગીરી બંધ કરી રહ્યું છે. કંપનીએ ‘The Rewire’ અંતર્ગત આ જાહેરાત કરી છે. આમતો થોડા સમય પહેલાં જ કંપની દ્વારા સંકેતો આપવામાં આવ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, કંપનીને પુનર્ગઠન માટે 75 મિલિયનની જરૂર છે, જેના કારણે કંપનીએ તેનું ઉત્પાદન અને વેચાણ ભારતમાં બંધ કર્યું. એક અહેવાલ મુજબ, હાર્લીએ ભારતમાં તેના કુલ વેચાણના માત્ર 5% વેચાણ કર્યું છે. હાર્લી ડેવિડસને ગયા નાણાકીય વર્ષમાં ભારતમાં 2,500 થી પણ ઓછી બાઈકનું વેચાણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે કંપનીના આ નિર્ણયનું એક મોટું કારણ કોરોના રોગચાળો પણ છે, જેના કારણે ભારતમાં તેની કામગીરીને ભારે નુકસાન થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી હાર્લી-ડેવિડસન ભારતમાંથી ઓપરેશન બંધ કરનારી બીજી અમેરિકી ઓટો ઉત્પાદક છે. અગાઉ, જનરલ મોટર્સે તેનું ગુજરાત પ્લાન્ટ 2017 માં વેચ્યું હતું. નોંધનીય છે કે હાર્લીએ ભારતમાં પોતાના 10 વર્ષ પૂરા કર્યા છે, અને હાલ કંપનીમાં 20 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહયાં છે.
કંપની સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, કંપની ફક્ત તેનું ઉત્પાદન યુનિટ બંધ કરી રહી છે. બાઇકનું માર્કેટિંગ અને વેચાણ ચાલુ રહેશે. આ બાઇક હવે ભારતમાંથી થાઇલેન્ડથી આયાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં બાઇકની કિંમત 40 થી 50 હજાર રૂપિયા સુધી વધી શકે છે. વેચાણ વધારવા માટે કંપની બાઇક પર 70 હજાર રૂપિયાની મોટી છૂટ પણ આપી રહી છે.