ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ દુકાનોને ખુલ્લી રાખવાનો સમય વધારી આપ્યો છે, પરંતુ હૉટેલ અને રેસ્ટોરાંને સાંજના ચાર વાગ્યા સુધી જ ગ્રાહકો માટે ખુલ્લા રાખવાની અને ત્યાર બાદ પાર્સલ માટેની મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણય સામે મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના તમામ હૉટેલ અને રેસ્ટોરાંના માલિકો નારાજ થઈ ગયા છે. સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવવા 10 ઑગસ્ટના હૉટેલિયરોએ મૂક મોરચો કાઢવાની જાહેરાત કરી છે, તો થાણેના હૉટેલ માલિકોએ આવતા અઠવાડિયાથી એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક રીતે હૉટેલો બંધ રાખવાની જાહેરાત કરી છે.
થાણેના મ્યુનિસિપલ કમિશનરને સાંજે ચાર વાગ્યા સુધીની મર્યાદા દૂર કરવાની માગણી પણ કરવામાં આવી છે. હૉટેલિયરો થાણે પાલિકા કમિશનરને મળીને હૉટેલો ખોલવાનો સમય લંબાવી આપવાની વિનંતી કરવાના છે. જો પાલિકાએ તેમની માગણી મંજૂર નહીં કરી તો થાણેમાં આવતા અઠવાડિયાથી તમામ હૉટેલ અને રેસ્ટોરાં એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક રીતે બંધ પાળવાની જાહેરાત થાણેના હૉટેલિયરોએ કરી છે.