ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મંગળવાર
મુંબઈ, 16 જૂન 2021
દેશભરમાં 15 જૂન, 2021થી સોના પર હોલમાર્ક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે મુંબઈ સહિત દેશના લાખો જ્વેલર્સે સરકાર પાસે એને અમલમાં મૂકવા માટે મુદત માગી હતી. કેન્દ્ર સરકારે છેવટે નમતું જોખવું પડ્યું હતું. હવે દેશભરના જ્વેલરોને હોલમાર્કિંગ કરવા માટે અઢી મહિનાની મુદત આપવામાં આવી છે. ઝવેરીઓને તેમના જૂના માલ પર પહેલી સપ્ટેમ્બર સુધી હોલમાર્કિંગ કરાવાની મુદત આપવામાં આવી છે. હાલ દેશના ફક્ત 256 જિલ્લામાં જ્યાં હોલમાર્કિંગ સેન્ટર છે ત્યાં જ એને અમલમાં મૂકવામાં આવશે. બુધવારે ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ સાથે બેઠક થઈ હતી. ત્યાર બાદ સરકારે જ્વેલરોને મૌખિક આશ્વાસન આપ્યું હતું. એથી હાલ પૂરતી ઝવેરીઓને રાહત મળી છે..
ભારત સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકા મુજબ 15 જૂન, 2021થી ફક્ત 14, 18, ,22 આ કૅરૅટનું જ સોનું વેચી શકાશે. એમાં પણ હોલમાર્ક હોવો ફરજિયાત રહેશે. સરકારના નવા આદેશને પગલે પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લામાં હોલમાર્કનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે, જ્યાં પહેલાંથી હોલમાર્કિંગ સેન્ટર છે. જોકે સરકારે 15 જૂનથી અમલમા મૂકેલા આ નિયમને પગલે દેશના સાડાચાર લાખથી પણ વધુ રિટેલર- જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેથી છેલ્લા થોડા દિવસોથી ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડ સ્મિથ ફેડરેશન, ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન, સહિત અન્ય ઍસોસિયેશનોની ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ સાથે બેઠકો થઈ રહી હતી. તેઓએ સરકારના આ નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા સમયની માગણી કરી હતી. છેવટે બુધવારે મોડી રાતની બેઠક બાદ સરકાર જૂના માલ પર હોલમાર્કિંગ કરવા માટે પહેલી સપ્ટેમ્બર સુધીની મુદત વધારી આપવા તૈયાર થઈ હતી.
એક સમાચાર બન્યા અને ગૌતમ અદાણી ના 40 હજાર કરોડ ગયા. જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે ગોલ્ડ કાઉન્સિલ મુજબ હાલ ભારતમાં 4 લાખ જ્વેલર્સમાંથી ફક્ત 35,879 જ્વેલર્સ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાર્ન્ડ (BIS) સર્ટિફાઇડ છે. સરકારના આ નિર્ણયને પગલે તથા કોરોનાને પગલે મોટો આર્થિક ફટકો સહન કરી રહેલા વેપારીઓને થોડી રાહત મળી છે.
જ્વેલરોને આપવામાં આવેલી રાહત બાબતે ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન-મુંબઈના પ્રેસિડન્ડ કુમાર જૈને જણાવ્યું હતું કે જ્વેલરોને અઢી મહિનાની મુદત આપવામાં આવી છે. તેમ જ કુંદન અને પોલ્સી જ્વેલરી સાથે સંકળાયેલા જ્વેલરો માટે હોલમાર્ક આવશ્યક નહીં રહે. સરકારે 15 જૂનથી હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું, એની સામે દેશભરમાં હોલમાર્ક માટે સેન્ટર પણ નથી. તેથી પીયૂષ ગોયલે પહેલી સપ્ટેમ્બર સુધી જૂના સ્ટૉક પર હોલમાર્ક લગાવવા માટેનો સમય આપ્યો છે. આ સમય સુધી જૂના માલ પર કોઈ પેનલ્ટી પણ લગાડવામાં આવશે નહીં. તેમ જ કોઈનો માલ પણ જપ્ત કરવામાં આવશે નહીં. ફક્ત જ્વેલરોએ એક વખત રજિસ્ટ્રેશન કરાવું પડશે. જોકે 40 લાખ રૂપિયા સુધી જેનું ટર્નઓવર છે, એના માટે રજિસ્ટ્રેશન આવશ્યક નહીં હોય.