ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
19 સપ્ટેમ્બર 2020
કોરોના મહામારીને લીધે કેન્દ્ર સરકાર બધી રીતે સંકટના ઘેરામાં આવી ગઈ છે. એક બાજુ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકારનું કુલ દેવુ જૂન 2020ના અંત સુધીમાં વધીને 101.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપ કરતા 6 ગણું વધુ છે. રિલાયન્સની માર્કેટ મૂડી હાલમાં 16 લાખ કરોડ રૂપિયા છે. આ અગાઉ માર્ચ 2020ના અંતમાં સરકારનું કુલ દેવુ 94.6 લાખ કરોડ હતું. સાર્વજનિક ઋણ પ્રબંધનની શુક્રવારે જાહેર કરાયેલ ત્રિમાસિક રિપોર્ટ અનુસાર જૂન 2020ના અંતમાં સરકારના કુલ બાકીમાં સાર્વજનિક ઋણનો ભાગ 91.1 ટકા હતો.
રિપોર્ટમાં જણાવાયું છે કે, બાકીની સિક્યોરિટીઝના લગભગ 28.6 ટકાની પરિપકતાનનો બાકી સમય પાંચ વર્ષ કરતા પણ ઓછો રહ્યો છે. સમીક્ષા હેઠળના ગાળામાં વાણિજ્યિક બેન્કોનો હિસ્સો 39 ટકા અને વીમા કંપનીઓનો હિસ્સો 26.2 ટકા હતો. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 3,46,000 કરોડની ડેટ સિક્યોરિટીઝ જારી કરી હતી, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 2,21,000 કરોડ હતી. નવા અપડેટ મુજબ કેન્દ્ર સરકારના દેવામાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. નવા આંકડાઓ દર્શાવે છે કે જૂન 2020 ના અંત સુધીમાં સરકારના દેવામાં વધારો થઈને 101.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ અગાઉ માર્ચ 2020 સુધીના ત્રિમાસિક ગાળા સુધી દેશનું દેવું રૂપિયા 94.6 લાખ કરોડ હતું અને એક વર્ષ પહેલા અથવા જૂન 2019 ના અંતે સરકારનું કુલ દેવું 88.18 લાખ કરોડ રૂપિયા હતું.
