ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
આમ તો કોરોના વાયરસ મહામારીની અસર બજાર ના દરેક ક્ષેત્રોમાં જોવા મળી છે પણ આ કોરોના સ્માર્ટ ફોન બજારનું કાંઈ નથી બગાડી શકયો! ભારતીય સ્માર્ટ ફોન બજાર કોરોના પર ભારે પડેલું નજરે પડે છે. સપ્ટેમ્બર ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર)માં સ્માર્ટ ફોનના વેચાણમાં 8 ટકા વધારો થયો છે એટલે કે માત્ર ત્રણ મહિનામાં લગભગ પાંચ કરોડથી વધુ સ્માર્ટ ફોન વેચાયા છે. રિસર્ચ ફર્મ કેનાલિસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ ત્રિમાસિક ગાળામાં આ અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. 2019 ના સમાન ત્રિમાસિક ગાળામાં કુલ 4.62 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં ટોપ -5 સ્માર્ટફોન કંપનીઓ શાઓમી, સેમસંગ, વિવો, રીઅલમી અને ઓપ્પોના વેચાણમાં વધારો થયો છે. દરમિયાન આ વર્ષે તહેવારોના સેલમાં ઈ-વાણિજય કંપની ફિલપકાર્ટ અને એમેઝોનના દેશભરમાં 1.5 કરોડ સ્માર્ટ ફોનનું વેચાણ કરે તેવું અનુમાન છે.
રિપોર્ટ અનુસાર, સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં ચીનની મોબાઇલ કંપનીઓનો માર્કેટ શેર વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો કરીને 76 ટકા થયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં શેર 74 ટકા હતો. જોકે, સરહદના વિવાદોને કારણે ચાઇનીઝ માલના બહિષ્કારને કારણે ત્રિમાસિક ધોરણે તેમનો બજાર હિસ્સો 14 ટકા ઘટ્યો છે. જૂનના ક્વાર્ટરમાં ચીની કંપનીઓનો બજાર હિસ્સો 80 ટકા હતો.
