ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જુલાઈ, 2021
ગુરુવાર
દેશમાં પેગાસસ જાસૂસી પ્રકરણના વિવાદમાં હવે મહારાષ્ટ્રની સરકારે પણ અમુક અધિકારીઓની તપાસનો આદેશ આપતાં ખળભળાટ મચી ગયો છે. 2019ની સાલમાં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલ વિરોધ પક્ષના નેતા રહેલા દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળમાં સરકારના અમુક અધિકારીઓ ચૂંટણીના રિઝલ્ટ આવ્યા બાદ ઇઝરાયલ ગયા હતા. આ અધિકારીઓની તપાસથી પૂરા વિવાદનો ખુલાસો થઈ શકે છે એવું મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે. સરકારના આ આદેશથી સરકારી અધિકારીઓનું તો ટેન્શન વધી ગયું છે, પણ તપાસના રેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચી જવાના છે. એને કારણે મહારાષ્ટ્ર ભાજપ પણ ટેન્શનમાં આવી ગયું છે.
કોલ્હાપુરમાં સતત વરસાદને કારણે હવે આટલા ડેમ આખેઆખા ભરાઈ ગયા. તંત્ર એલર્ટ.
2019માં ફડણવીસ સરકારના સમયમાં રાજ્યના અમુક અધિકારીઓ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ઇઝરાયલ ગયા હતા. આ અધિકારીઓને કયા હેતુથી ઇઝરાયલ મોકલવામાં આવ્યા હતા? કોણે મોકલ્યા હતા? એ બાબતે રાજ્યના ચીફ સેક્રેટરી સીતારામ કુંટેએ પ્રશાસનને તપાસનો આદેશ આપ્યો છે.
પેગાસસ સ્પાઇવેલ દ્વારા અનેક રાજકારણી, પત્રકારો અને વેપારીઓ સહિત જાણીતી હસ્તીઓના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. આ વિવાદને કારણે મોદી સરકાર પહેલાંથી મુશ્કેલીમાં છે ત્યારે મહારાષ્ટ્ર સરકારના આ પગલાથી રાજ્ય સ્તરે પણ ભાજપ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે પેગાસસ સ્પાઇવેલના દ્વારા મહારાષ્ટ્રમાં પણ જાસૂસી કરાવવામાં આવી હોવાનો દાવો રાજ્યના રેવેન્યુ મિનિસ્ટર બાળાસાહેબ થોરાત કરી ચૂક્યા છે. તેમણે કૉન્ગ્રેસના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના ફોન ટેપ થયા હોવાનો દાવો કર્યો છે.