ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
ટ્રાવેલ અને ટુરીઝમ પર કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટ નો માર, કોરોના ના નવા વેરીયંટ ના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશ પ્રવાસે જનારાઓ પર ભારે અસર પડી છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૨૫ હજાર લોકોએ ૩૫ કરોડના ૧૨૫૦ ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા. યુરોપમાં સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રીયા, પોલેન્ડ જેવા પેકેજ ૨.૫૦ લાખથી શરૂ થતા હોય છે જ્યારે સાઉથ આફ્રિકામાં ઘાના, ઝીમ્બાબ્વે, તાન્ઝાનિયા જેવા ટુર્સ પેકેજ રૂ. ૧ લાખથી શરૂ થતા હોય છે. બીજીતરફ, યુરોપ કે સાઉથ આફ્રિકામાં ફસાયેલા સુરતીઓ હવે વાયા દુબઈ કે શારજહા થઈ પરત આવી રહ્યા છે
ટ્રાવેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ મોહન ચકલાસિયાએ જણાવ્યું કે, છેલ્લા ૩ દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશના ૧૨૫૦ ટૂર પેકેજ કેન્સલ થયા છે. શહેરની નાની-મોટી હીરા કંપનીના વેપારીઓ વેપાર અર્થે યુરોપ સહિતના જુદા-જુદા દેશોમાં જતા હોય છે. તે સાથે હાલમાં લગ્ન સિઝન પણ ચાલી રહી હોઈ વિદેશ લગ્ન પ્રસંગમાં જવા માગતા લોકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે.