ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
દેશમાં બ્યુરો ઑફ સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ઝવેરીઓ પર જબરદસ્તીથી હૉલમાર્કિંગની પ્રક્રિયા ઠોકી બેસાડવામાં આવી છે. એના વિરોધમાં નૅશનલ ટાસ્ક ફોર્સના આદેશ પર દેશભરના ઝવેરીઓએ સોમવાર 23, ઑગસ્ટ, 2021ના એક દિવસીય લાક્ષણિક હડતાલ કરવાની જાહેરાત કરી છે.
દેશભરના જેમ્સ ઍન્ડ જ્વેલરી ઇન્ડ્રસ્ટ્રી સાથે સંકળાયેલા 350 ઍસોસિયેશન તથા ચાર ઝોનના ફેડરેશનનું નૅશનલ ટાસ્ક ફોર્સ બન્યું છે. દેશભરમાં હૉલમાર્કિંગની પ્રક્રિયા સરળતાથી પાર પડે અને ઝવેરીઓને કોઈ જાતની અડચણો આવે નહીં એ માટે નૅશનલ ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી છે.
સોનાના દાગીના પર હૉલમાર્કિંગ અને છ ડિજિટના હૉલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID)ને કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મુદ્દે દેશભરના ઝવેરીઓએ સરકારને હૉલમાર્કિંગ માટે મુદત વધારી આપવાની માગણી કરી છે, તો HUIDને અમલમાં મૂકવા સામે વિરોધ દર્શાવ્યો છે. આ મુદ્દાને લઈને ઝવેરીઓના ઍસોસિયેશનની બનેલી નૅશનલ ટાસ્ક ફોર્સ અને BIS તેમ જ સરકાર દ્વારા બનાવવામાં આવેલી બે કમિટીની અત્યાર સુધી 10થી વધુ મિટિંગ થઈ ગઈ છે, પરંતુ હજી સુધીમાં કોઈ નિર્ણય પર પહોંચી શકાયું નથી.
હૉલમાર્કિંગ માટે બનેલી નૅશનલ ટાસ્ક ફોર્સના સભ્ય અને ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમેસ્ટિક કાઉન્સિલના ભૂતપૂર્વ ચૅરમૅન અશોક મીનાવાલાએ જણાવ્યું હતું કે હૉલમાર્કિંગ સામે કોઈ દિવસ વિરોધ કર્યો નથી. એને અમે આવકારીએ છીએ, પરંતુ HUIDનો અમે કોઈ કાળે સ્વીકાર નહીં કરીએ. સોનાની પ્યૉરિટી સાથે HUIDનો કોઈ સંબંધ નથી. છ ડિજિટના HUIDને કારણે સોનાની ગુણવત્તા સુધરશે એવું BIS માને છે, પરંતુ તે કેવી રીતે સુધરશે એ પુરવાર નથી કરી શક્યા. ગ્રાહકોને ચોખ્ખું સોનું આપવા અમે બંધાયેલા છે અને તૈયાર પણ છીએ. જોકે HUIDને કારણે ગ્રાહકોની માહિતી તો ઇન્કમ ટૅક્સ સુધી પહોંચશે. તેમના હિત જોખમાશે, પરંતુ ઇન્સ્પેક્ટર રાજ પણ પાછું આવશે. વેપારીઓની ખોટી હેરાનગતિ થશે. એથી સરકારના HUID લાગુ કરવાના વિરોધમાં 23 ઑગસ્ટના એક દિવસની ટોકન હડતાલનો નિર્ણય લીધો છે. ખૂબ શાંતિપૂર્વક આ બંધ પાળવામાં આવશે.