ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
કોવિડ-19 ના ફેલાવા સાથે જ શરુઆતના તબક્કામાં માસ્ક અને સુરક્ષા ઉપકરણોની અછત હતી. હવે કોરોના વેક્સીન તૈયાર થવાની નજીક છે, ત્યારે પોતાના દરેક નાગરિકને રસી પહોંચડવા સામે દરેક દેશો સામે આ એક વાત મોટો પડકાર બની શકે છે. એ છે કાચની નાની શીશીઓની અછત.. કેન્દ્ર સરકારે રાજ્યોને વેક્સીન માટે તૈયારી પૂર્ણ કરવા કહ્યું છે. પરિવહન, કોલ્ડ ચેઇન સહિત વૈશ્વિક સ્તર પર મોટી સંખ્યામાં કાચની શીશી અને અન્ય સામાન એકત્ર કરવામાં પણ ખૂબ મુશ્કેલી આવી શકે છે.
એક રિપોર્ટ અનુસાર ભારતે 40 થી 50 કરોડ લોકોને વેક્સીન આપવા માટે પોતાની ક્ષમતામાં ઝડપથી વધારો કરવો પડશે. વેક્સીન કોલ્ડ ચેઇન નેટવર્ક, સીરિંજ અને કાચની શીશીઓના સ્ટોકમાં વૃદ્ધિ અને આરોગ્ય કર્મીઓને પુરી ટ્રેનિંગ આપવી પડશે. અન્યથા કોરોનાની વેક્સીન લોકો સુધી પહોંચી શકશે નહીં.
ખરાબ ગુણવત્તાના કાચથી વેક્સીનની શીશી બનાવી શકાય નહીં. તેના માટે ખાસ બોરોસિલેક્ટ ગ્લાસની જરૂર પડે છે. આ કાચ રસાયણિક રીતે સ્થિર હોય છે અને લાંબા સમય સુધી ઠંડો અને હેરાફેરી વખતે પણ સુરક્ષિત રહે છે. જોકે, આવા ગ્લાસનું વિશ્વમાં ફક્ત 10 ટકા જ ઉત્પાદન થાય છે. તેના એક ઉપાય ગ્લાસને રિસાયકલ કરવાનો છે. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં લોકડાઉન ને કારણે ગ્લાસનો સંગ્રહ, પૃથક્કરણ અને રિસાઇકિલિંગ પ્રભાવિત થઈ છે.
એક રિપોર્ટ અનુસાર પ્રતિ વર્ષે 50 અબજ શીશીના કન્ટેનરનો મેડિકલ કાર્ય માટે ઉપયોગ થાય છે. એમાંથી 15 થી 20 અબજ મેડિકલ શીશી માટે હોય છે. ફક્ત અડધી દુનિયાને વેક્સીન આપવા માટે વધારાની 3.5 અબજ કાચની શીશીઓની જરુરત પડશે. હાલમાં દુનિયામાં પુરતી માત્રામાં વેક્સીનની નાની બાટલીઓ ઉપલબ્ધ નથી. આથી આપડી 130 કરોડની વસતીની માંગને પહોંચી વળવા માટે કાચની અછત જલ્દીથી સરકારે દૂર કરવી પડશે..
