ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જુલાઈ 2021
ગુરુવાર.
ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળે કેન્દ્ર સરકારના દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટ મૂકવાના કાયદાના વિરોધમાં શુક્રવાર ૧૬ જુલાઈના રોજ એક દિવસની હડતાળ જાહેર કરી છે. જેમાં દેશની તમામ APMC, દાણાબજારના વેપારીઓ જોડવાના છે.
દાળ–કઠોળના સ્ટૉક પર લાદવામાં આવેલી સ્ટૉક લિમિટના વિરોધમાં સમગ્ર દેશના વેપારીઓ નારાજ છે. શુક્રવારની આ હડતાળમાં મહારાષ્ટ્રની તમામ APMC માર્કેટ પણ પ્રતિકાત્મક બંધમાં જોડવાની છે. ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઑફ ટ્રેડ(કેમિટ), મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચર ઍન્ડ ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ ટ્રેડર્સ, મહારાષ્ટ્રએ આ હડતાળમાં જોડાવાની જાહેરાત કરી છે.
કેમિટના ચૅરમૅન મોહન ગુરનાનીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે સ્ટૉક લિમિટ ત્યારે લાદવામાં આવે છે જ્યારે માર્કેટમાં ભાવવધારો હોય, પરંતુ હાલ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) કરતાં પણ ભાવ ઓછા છે. સરકારના આ કાળા કાયદાના કારણે વેપારીઓએ હજી કેટલું નુકસાન સહન કરવાનું છે. આ કાયદાનો વિરોધ કરવા શુક્રવારની આ હડતાળમાં મહારાષ્ટ્રની તમામ APMC બજારના વેપારીઓ, સંસ્થાઓ જોડાવાની છે. સરકારને ફરી એક વખત વેપારીઓની એકતાનો પરિચય આપવાનો વખત આવી ગયો છે.