ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનથી છેલ્લા દોઢ વર્ષથી વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. હવે મહારાષ્ટ્રના છ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ અને વિનાશકારી પૂરને પગલે વેપારીઓની થોડી ઘણી બચેલી મૂડી પણ ધોવાઈ ગઈ છે. એથી આ કુદરતી આફતનો ભોગ બનેલા વેપારીઓ માટે તાત્કાલિક ધોરણે આર્થિક પૅકેજ જાહેર કરવાની માગણી કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કરવામાં આવી છે.
કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે મહારાષ્ટ્ર સરકારને તાત્કાલિક ધોરણે છ જિલ્લાના વેપારીઓને મદદ કરવાની અપીલ કરી છે. 2019ના પૂર દરમિયાન રાજ્ય સરકારે દરેક વેપારીને 50,000 રૂપિયાની મદદ કરી હતી. લૉકડાઉનના કારણે લાંબો સમય સુધી વેપારધંધો બંધ રહ્યો હતો. એથી બચેલી મૂડી પણ ખલાસ થઈ ગઈ છે. અનેક વેપારીઓના માથા પર દેવું થઈ ગયું છે. એથી રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રોકડ રકમની મદદ કરવી જોઈએ, જેમાં દરેક વેપારીને ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ તેમ જ ઇન્સ્યૉરન્સ કંપની પણ ઊંડાણમાં જઈને દસ્તાવેજોની તપાસ અને નુકસાનીનો અંદાજ મેળવવામાં સમય બરબાદ કરવા કરતાં તાત્કાલિક ધોરણે ઇન્સ્યૉરન્સની અડધી રકમ આપી દે એવો સરકારને આદેશ આપવાની પણ માગણી કરવામાં આવી છે.
કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મુંબઈના ચૅરમૅન રમણીક છેડાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે વેપારીઓને લોનના હપ્તા ભરવા માટે થોડો સમય આપવો જોઈએ તેમ જ બૅન્ક અને નાણાકીય સંસ્થાઓને પણ વેપારીઓ પાસેથી આ વર્ષ પૂરતું વ્યાજ વસૂલ કરે નહીં એવો આદેશ આપવો જોઈએ.
મહારાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પ્રતિબંધો યથાવત્ રહેશે; સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો એ જિલ્લાઓનાં નામ
અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે વેપારીઓએ સરકારના તમામ નિયમોમાં તેમને સહકાર આપ્યો છે. લૉકડાઉન દરમિયાન પણ જરૂરિયાતમંદોની મદદે વેપારીઓ આગળ આવ્યા છે ત્યારે હવે સરકારની પણ ફરજ છે કે વેપારીઓ પર આવેલા સંકટ દરમિયાન તેમને મદદ કરવા આગળ આવવું જોઈએ અને તાત્કાલિક ધોરણે વેપારીઓ માટે આર્થિક પૅકેજ જાહેર કરવું જોઈએ.