ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરા વેપારીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે તેમ જ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલ સાથે વેપારીઓની માગણી સંદર્ભમાં વાત કરી હતી. એ મુજબ તેમણે નૉન ઇશેન્શિયલ દુકાનોને સોમવારથી શુક્રવાર સુધી સવારના 11થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની માગણી કરી હતી.
મુંબઈમાં વેપારીઓને શરતી નિયમો સાથે દુકાનો ખોલવાની મુંબઈ મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે. જોકે મુંબઈના ત્રણ લાખથી વધુ રિટેલરોએ સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધીને બદલે આખો દિવસ દુકાન ખુલ્લી રાખવાની માગણી કરી છે. તેમ જ દુકાનોને એક દિવસ છોડીને એક દિવસને બદલે દરરોજ ખોલવાની મંજૂરી પણ માગવામાં આવી છે.
જો દુકાનો ઓડ અને ઈવન માં ચાલુ રહે તો ફેરિયાઓ કેમ નહીં? વેપારી સંગઠનનો સણસણતો સવાલ
વેપારીઓની માગણીને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાએ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ત્રણ લાખ નૉન ઇશેન્શિયલ દુકાનો સાથે 15 લાખ પરિવારો જોડાયા છે. તેમની આજીવિકાનો સવાલ છે. 25 ટકા વર્કર પોતાના ગામભેગા થઈ ગયા છે. બાકીના લોકોને તેમના દુકાનદારો દુકાનો બંધ હોવાથી પગાર આપતા નથી. દુકાનદારોને પણ તેમના લોનના હપ્તા, લાઇટબિલ, પગાર વગેરે ચૂકવવાનો હોય છે. એથી તેમને પણ સવારના 11થી 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તો તેઓ પણ કમાઈ શકશે.