News Continuous Bureau | Mumbai
હાલમાં મોંઘવારીએ દેશના તમામ લોકોની કમર તોડી નાંખી છે. લોકો ગમે તેમ કરીને બે છોડા ભેગા કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર માઠા સમાચાર મળી રહ્યા છે. સામાન્ય જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગી શકે છે. અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો થવાના અણસાર મળી રહ્યા છે.
અમૂલના એમડી આર.એસ. સોઢીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અહીંથી દૂધની કિંમતોમાં ઘટાડો થઈ શકે તેમ નથી, પરંતુ આગામી સમયમાં વધશે. સોઢીએ જણાવ્યું હતું કે સહકારી સંઘે છેલ્લા બે વર્ષમાં અમૂલ દૂધના ભાવમાં ૮ ટકાનો વધારો કર્યો છે. તેમાં ગત મહિને દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨નો વધારો પણ સામેલ છે. તેમની વાત પરથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં અમૂલ દૂધના ભાવમાં વધારો થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : આ સરકારી ખાતાએ મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓને લગાવી દીધા ધંધે…. જાણો વિગતે
સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે તેમના ઉદ્યોગમાં મોંઘવારી ચિંતાનું કારણ નથી કારણ કે તેનાથી ખેડૂતોને ઉત્પાદનના ઊંચા ભાવનો ફાયદો મળી રહ્યો છે. સોઢીએ જણાવ્યું હતું કે, “અમૂલ અને ડેરી સેક્ટર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધિ અન્યની સરખામણીમાં અથવા ઇનપુટ ખર્ચમાં વધારાની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત છે. બીજી તરફ એનર્જીના ભાવમાં ત્રીજા ભાગથી વધુનો વધારો થયો છે જે કોલ્ડ સ્ટોરેજના ખર્ચને અસર કરે છે. એજ રીતે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ વધારો થયો છે અને તે જ રીતે પેકેજિંગના કિસ્સામાં પણ વધારો થયો છે. આ દબાણને કારણે માર્ચ મહિનામાં દૂધના ભાવમાં ૧ થી ૨ રૂપિયાનો વધારો થયો છે.
સોઢીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન દૂધમાંથી ખેડૂતોની આવકમાં લિટરે ૪ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે, ઘણી સમસ્યાઓના કારણે કંપનીના નફા માં પણ ઘટાડો નોંધાયો છે. પરંતુ અમૂલ આવા દબાણોથી ડરતું નથી કારણ કે પ્રોફિટ એ સહકારીનો મુખ્ય ઉદ્દેશ નથી. અમૂલ દ્વારા કમાતા એક રૂપિયામાંથી ૮૫ પૈસા ખેડૂતોને મળે છે. એટલે કે અમૂલના નફામાં ખેડૂતોને મહત્તમ મહત્વ આપવામાં આવ્યું છે.