ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
બે ની લડાઈમાં ત્રીજો ફાવે.. આવો જ કંઈક ફાયદો હાલમાં ભારતને થયો છે. દર વર્ષે અમેરિકામાં યોજાતી મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકાની સ્પર્ધામાં જે તાજ પહેરાવવામાં આવે છે તે અત્યાર સુધી ચીનના હોંગકોંગમાં તૈયાર થતો હતો. પરંતુ આ વખતે અમેરિકા-ચીન ટ્રેડવોરનો ફાયદો ગુજરાતને મળ્યો છે.
આ વર્ષે સુરતની ડાયમંડ જ્વેલરી બનાવતી કંપનીને આ તાજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. સુરતના કારીગરોએ 25 દિવસમાં રોજ 8 કલાકની મહેનત કરી 650 કેરેટના હીરા, 650 ગ્રામ સોનું અને 150 પીસ એમરેલ્ડ વડે કરોડોની કિંમતનો આ તાજ બનાવ્યો છે. આ બન્ને ક્રાઉનની ચમક લાંબો સમય રહે તે માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે.
ડાયમંડ કંપનીનું આર એન્ડ ડી વિભાગ સાંભળતા અને વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી માર્કેટમાં ક્યા પ્રકારની જ્વેલરીઓની ડિમાન્ડ છે તેની માહિતી રાખતા અધિકારી એ જણાવ્યું કે 'અમારી કંપનીએ ડાયમંડ-ગોલ્ડના 7 વન્ડર્સ (7 અજાયબી)નાં હેવી પેન્ડેટ તૈયાર કર્યાં હતાં, જેને બેવર્લી હિલ્સ ખાતે થયેલાં એક સંમેલન માં બતાવ્યા હતા. હેન્ડમેડ 7 વન્ડર્સની મેકિંગ અને ડિઝાઈનથી મિસ અમેરિકા સ્પર્ધા વાળા પ્રભાવિત થયા અને અમને એટલે કે સુરતને 'મિસ વર્લ્ડ અમેરિકા' અને 'મિસ ટીન અમેરિકા' માટેનો તાજ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો, જે એક ભારતીય તરીકે અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો એ કરોડોમાં છે.'
