ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
ભારતના જ નહીં, પણ એશિયાના પણ સૌથી ધનાઢ્ય ગણાતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું વૈશ્વિક સ્તરની ધનાઢ્યોની યાદીમાંથી નામ નીચે આવી ગયું છે. દુનિયાના ટોચના 10 શ્રીમંતોની યાદીમાંથી તેઓ બહાર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિઅનર્સ ઇન્ડેક્સે જાહેર કરેલા આંકડા મુજબ મુકેશ અંબાણી પાસે 102 અબજ ડૉલર્સની સંપત્તિ છે અને તેની સાથે તેઓ દુનિયાના શ્રીમંતોની યાદીમાં 11મા નંબરે આવે છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 25.2 અબજ ડૉલરનો વધારો થયો છે. વોરન બફેએ મુકેશ અંબાણીને પછાડીને 10મા સ્થાને આવી ગયા હોઈ તેમની કુલ સંપત્તિ 103 અબજ ડૉલર્સ જેટલી છે. અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી આ યાદીમાં 13મા નંબરે આવે છે. તેમની સંપત્તિ 77.7 અબજ ડૉલર છે.
વ્યાપાર સમાચાર: ડ્રાયફ્રુટના વ્યાપારીઓને તેમની દિવાળી સુધરે તેવી અપેક્ષા ઓછી છે
દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિની યાદીમાં પહેલું નામ ટેસ્લાના ઈલોન મસ્ક છે. તેમની સંપત્તિમાં ઝપાટાબંધ વધારો થયો છે. મસ્કની સંપત્તિ 66.5 અબજ ડૉલરથી વધીને 236 અબજ ડૉલર્સ થઈ ગઈ છે. મસ્કે એમેઝોનના જેફ બેઝોસને પણ પાછળ રાખી દીધા છે. બર્નાર્ડ આરનોલ્ટ આ યાદીમાં ત્રીજા નંબરે હોઈ તેમની સંપત્તિ 164 અબજ ડૉલર્સની છે. માઇક્રોસૉફ્ટના બિલ ગેટ્સ 130 અબજ ડૉલર્સના માલિક હોઈ તેઓ ચોથા નંબરે છે. ફેસબુકના માર્ક ઝુબેર આ યાદીમાં સાતમા નંબરે છે.