2Gને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરીઃ અંબાણી

by Dr. Mayur Parikh

– ભારતના 30 મિલિયન (30 કરોડ) મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે, મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી "દેશ કી ડિજિટલ ઉડાન"માં શ્રી અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન

મુંબઈઃ 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 2Gને એક ઇતિહાસ બનાવી દેવાની તાતી જરૂરિયાત છે. શુક્રવારે ભારતમાં મોબાઇલ યુગના 25 વર્ષની ઉજવણી "દેશ કી ડિજિટલ ઉડાન"માં પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે "હું માનું છું કે 2Gને ઇતિહાસનો એક હિસ્સો બનાવી દેવા માટે નીતિ વિષયક પગલાં બને તેટલા વેળાસર લઈ લેવા જોઈએ."

ભારતમાં પહેલો મોબાઇલ ફોન કોલ કરવામાં આવ્યો તેની રજત જયંતીએ બોલતાં શ્રી અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે ભારત અને અન્ય દેશો 5Gના યુગમાં જઈ રહ્યા છે ત્યારે 2G યુગના ફીચર ફોનમાં 300 મિલિયન સબસ્ક્રાઇબર્સ જકડાયેલા છે જેઓ પાયાની ઇન્ટરનેટ સેવાથી અલિપ્ત છે. તેમણે કહ્યું હતું કે "હું ખાસ કરીને એ હકીકતનો ઉલ્લેખ કરી રહ્યો છું કે, ભારતમાં 300 મિલિયન સબસ્ક્રાઇબર્સ 2G યુગમાં ફસાયેલા છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભારત અને સમગ્ર વિશ્વ 5G ટેલિફોનીના બારણે ઊભા છે ત્યારે આ સબસ્ક્રાઇબર્સ તેમના ફીચર ફોનના કારણે ઇન્ટરનેટ જેવી પાયાની સુવિધાથી વંચિત છે. હું માનું છું કે 2Gને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે નીતિ વિષયક પગલાં વહેલી ત્વરાએ લેવાવા જોઈએ."

તેમણે ઉમેર્યું હતું કે, મહત્વનું એ છે કે, ડેટા પોસાય તેવો અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, મોબાઇલ ટેલિફોની હવે સમૃદ્ધિની ઉત્પ્રેરક છે અને સામાન્ય ભારતીયનું જે રીતે સશક્તિકરણ થઈ રહ્યું છે એ 25 વર્ષ પહેલા વિચારી શકાય તેમ નહોતું. તેમણે એમ પણ કહ્યું કે, "કોવિડના પગલે થયેલા લોકડાઉને મોબાઇલ ફોન લોકોને કેવી રીતે સશક્ત કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેના કારણે સમગ્ર રાષ્ટ્ર કનેક્ટેડ રહ્યું અને અર્થતંત્રના પૈંડા પણ તેણે ગતિશીલ રાખ્યા. આ બધું એ બતાવે છે કે કેવી રીતે ડિજિટલ મોબિલિટી સામાન્ય ભારતીય માટે ઇઝ ઓફ લિવિંગને વધુ સુદૃઢ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરી રહી છે."

ભારતમાં મોબાઇલ યુગની રજત જયંતીની ઉજવણી કરતાં શ્રી અંબાણીએ કહ્યું હતું કે, જિયોએ આપેલા મહત્વપૂર્ણ યોગદાન અને ભારતની ડિજિટલ ઉડાનને જિયો સાતત્ય આપી રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમને આનંદ થાય છે. તેમણે કહ્યું કે, "તેની શરૂઆતના ચાર વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતના સૌથી વધુ મોબાઇલ ઉપયોગકર્તા બનતાં જિયોએ ડિજિટલ ક્રાંતિના ફળ મેળવ્યા છે. જિયો પોસાય તેવું, ગુણવત્તાસભર અને ઉપયોગમાં વૈવિધ્ય પ્રદાન કરતું માધ્યમ બન્યું છે."

RILના ડિજિટલ પ્લેટફોર્મ અને ભાગીદારી અંગેના વિઝનની વાત કરતાં શ્રી અંબાણીએ કહ્યું હતું કે, આપણા લાખો ખેડૂતો, નાના વેપારીઓ, ગ્રાહકો, નાના અને મધ્યમ વેપાર-વ્યવસાયો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા કાર્યકરો અને સંશોધનકર્તાઓના સશક્તિકરણમાં આ પ્લેટફોર્મ સૌથી અત્યાધુનિક ટેક્નોલોજિકલ ઓજાર બની રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, તેના દ્વારા નવી અને આકર્ષક રોજગારી અને આપણા પ્રતિભાશાળી યુવાનો માટે આજીવિકાની તકો સર્જાશે.

તેમણે એમ પણ કહ્યું કે, "આપણા વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવવા માટે અમારું સંપૂર્ણ યોગદાન આપવાના જિયોના વચનનો આજે હું પુનરોચ્ચાર કરું છું."

સંબોધનના અંતે શ્રી અંબાણીએ કહ્યું હતું કે, 25 વર્ષ પહેલા ભારત મોબિલિટીમાં વિકસિત વિશ્વથી પાછળ હતું. "ટેક્નોલોજીના કેટલાક ચાવીરૂપ ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વથી આગળ નીકળી જવા માટે હવે ભારતનો સમય આવી ગયો છે. આ વિઝન અને મિશનને સાકાર કરવા માટે ચાલો બધા ભેગા મળીને કામ કરીએ."

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment