ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
શાળાઓ બંધ હોવા છતાં ફી લેવાતી હોવાથી વિદ્યાર્થીઓ ના વાલી નારાજ છે તો બીજીબાજુ કોરોનાને કારણે ઘરે બેસીને ઓનલાઈન ભણાવવાનો માર્ગ કાઢ્યો હોવાથી શાળાઓમાં ઇલેક્ટ્રોનિકસ અને અન્ય ખર્ચાઓ વધી ગયા છે જેને કારણે શાળા સંચાલકો મુંઝવણમાં મુકાયાં છે. સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ ઈ-લર્નિંગનો માર્ગ મુંબઈ સહિત રાજ્ય અને દેશભરની સ્કૂલોએ અપનાવ્યો છે. પરંતુ ઓનલાઈન વર્ગ માટે જોઈતી સુવિધાઓને કારણે શાળાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે. જેથી સ્કૂલોની આર્થિક સ્થિતિ લથડિયા ખાવા માંડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુંબઈની એક શાળાએ ઘરેથી ઓનલાઈન વર્ગ લઈ શકાય તે માટે પોતાના શિક્ષકોને ઘરે લેપટોપ પહોંચાડયા છે. તો પશ્ચિમી પરાંની એક શાળાએ વિડીયો કોન્ફરન્સિંગના સેટઅપ માટે ચાર લાખ રુપિયા ખર્ચી નાંખ્યા છે. જ્યારે અન્ય એક શાળાએ 10 હજાર વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થી દીઠ પ્રતિ પરીક્ષાના 10 રુપિયાની કિંમતનો ખર્ચ કર્યો છે. ઓનલાઈન શિક્ષણ વાલી અને મેનેજમેન્ટ બંને પક્ષે મોંઘું સાબિત થઈ રહ્યું છે. કારણ ઓનલાઈન વર્ગ ચાલું કરવા માટે પૂરતાં લેપટોપ, ઈલેક્ટ્રિસિટી, વાઈફાઈ સુવિધા, ટેબલની વ્યવસ્થા કરવી, કોઈ વિદ્યાર્થીને મદદ કરવી પડે તો તેના પર ધ્યાન આપવું વળી ઓનલાઈન વર્ગ માટે શિક્ષકોને તાલીમ આપવી પડે છે.
એટલું જ નહીં અત્યારે સ્કૂલ-કૉલેજો બંધ હોવાથી ખાસ તો તેની સારસંભાળ રાખવાનો પણ એક મોટો પડકાર છે. કારણ એક બંધ ઈમારતને યથાવત્ સુરક્ષિત જાળવી રાખવી એ અઘરું છે.