ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
ગ્રાહકોને 'કોઈપણ બ્રાન્ડ'ના પોસાય તેવા કપડા પ્રદાન કરતું મુંબઈમાં એક જાણીતું સ્થળ એટલે 'ફેશન સ્ટ્રીટ માર્કેટ'.. અહીં લેટેસ્ટ માં લેટેસ્ટ ફેશન ના કપડાં મળી રહે. જે આજે, બુધવારથી શરૂ થઈ રહ્યું છે. અહીંની દુકાનોને પાલિકા દ્વારા શરતી પરવાનગી આપવામાં આવી છે. પરિણામે, છ મહિનાથી બેકારીનો સામનો કરી રહેલા અહીંના સ્ટોલ ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ફેશન સ્ટ્રીટ એ મુંબઇનું સૌથી મહત્વપૂર્ણ ટુરીસ્ટ પ્લેસ ગણાય છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ચર્ચગેટથી થોડે દૂર આવેલા આ બજારમાં યુવાનો ફેશનેબલ કપડાં ખરીદવા ઉમટે છે. અહીં મોટા બ્રાન્ડના નામ અને કપડાંની નકલ કરીને તૈયાર થયેલા કપડાં પણ ઉપલબ્ધ છે. જે અહીંની વિશેષતા છે. મહાનગરપાલિકાએ 18 માર્ચે કોરોનાને કારણે દક્ષિણ મુંબઈમાં બજાર બંધ કરવા માટેનો આદેશ જારી કર્યો હતો. ધીમે ધીમે તાળાબંધી હળવી થતાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કચેરીઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરાયો હતો. આને ધ્યાનમાં રાખીને ફેશન માર્કેટ લાઇસન્સિંગ વેલ્ફેર એસોસિએશન દ્વારા પાલિકાને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં ફેશન સ્ટ્રીટ પર દુકાનો શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ પત્રની નોંધ લેઇ હાલ ફેશન સ્ટ્રીટની દુકાનોને શરતી મંજુરી મળી છે.
# થોડો ઇતિહાસ #
બેરોજગારોને રોજગારી મળે તે માટે કોર્પોરેશન દ્વારા 395 લોકોને મહાત્મા ગાંધી માર્ગ ઉપર ધંધો કરવા સ્ટોલ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ધીરે ધીરે લાઇસન્સવાળા સ્ટોલની આસપાસ અનધિકૃત સ્ટોલની સંખ્યામાં વધારો થયો. તેમજ સ્ટોલ ધારકોએ ફૂટપાથ ઉપર અતિક્રમણ કરવાનું શરૂ કર્યું હતું અને આમ, ફેશન સ્ટ્રીટ કપડાની ખરીદી માટેનું મુખ્ય બજાર બની ગયું…
