ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
નૅશનલ કન્ઝ્યુમર કમિશને ઉદાહરણીય ચુકાદો આપ્યો હતો, જેમાં ગર્ભનાળ જાળવવાની ખાતરી આપ્યા બાદ પણ એમાં નિષ્ફળ જનારી કંપનીને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, પણ કમિશને કંપનીએ ગર્ભનાળ જાળવવા વસૂલેલી રકમમાંથી અડધી રકમ પણ પાછી કરવાનો આદેશ આપ્યો હતો.
ભારતમાં ગર્ભનાળ સ્ટેમ સેલ બૅન્કિંગ સૉલ્યુશન પૂરી પાડનારી દેશની પ્રથમ કંપની હોવાનો દાવો કરનારી કંપની પાસે એક મહિલાએ 16 એપ્રિલ, 2010માં પોતાનું નામ નોંધાવ્યું હતું. ગર્ભનાળના સ્ટેમ સેલ મેળવી એની જાળવણી માટે કંપનીએ તેની પાસેથી 70,100 રૂપિયા વસૂલ્યા હતા. 10 મે, 2010માં બાળકના જન્મ બાદ કંપનીએ ગર્ભનાળનો સ્ટેમ સેલનું સૅમ્પલ જાળવણી કરવા માટે લીધું હતું. પહેલી જુલાઈ, 2010ના મહિલાને પ્રિઝર્વેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.
લગભગ સવા વર્ષ બાદ 23 ડિસેમ્બર, 2011માં કંપનીએ આ મહિલાને ઈ-મેઇલ કર્યો હતો, જેમાં બાળકની ગર્ભનાળ દૂષિત થઈ હોવાથી એનો નિકાલ કરવાની મંજૂરી કંપનીએ માગી હતી. એથી મહિલાએ 18 મહિનામાં જ ગર્ભનાળ કેવી રીતે દૂષિત થઈ ગઈ એ બાબતે કંપની પાસે માહિતી માગી હતી. કંપનીએ જવાબમાં કહ્યું હતું કે 18 મે, 2010માં ગર્ભનાળમાં બૅક્ટેરિયા થઈ ગયા હતા. બૅક્ટેરિયા નાશ પામે એ માટે ગર્ભનાળને નાઇટ્રોજનમાં 3થી 6 મહિના રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ 18 મે, 2011ના સૅમ્પલને ફરી ચેક કરવામાં આવતાં એમાં બૅક્ટેરિયા જણાઈ આવ્યા હતા.
એથી આઘાત પામેલી મહિલાએ ગર્ભનાળ જાળવવામાં બેદરકારી રાખવા બદલ અને માહિતી છુપાવવા બદલ નૅશનલ કન્ઝ્યુમર કમિશનમાં ફરિયાદ નોંધાવીને 10 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. આ દરમિયાન કંપનીએ ગાયનેકોલૉજિસ્ટ પર દોષ ઢોળી દીધો હતો. જોકે નૅશનલ કમિશને સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કંપનીએ પ્રોવિઝન સર્ટિફિકેટ આપ્યું હતું એ પ્રમાણિત કરે છે કે ગર્ભનાળના નમૂના યોગ્ય રીતે મેળવવામાં આવ્યા હતા. એથી ગર્ભનાળ દૂષિત થવા માટે કંપનીએ એની જાળવણી બરોબર કરી ન હોવાનું કારણ જવાબદાર છે. કમિશનરે કંપનીને ગ્રાહક પાસેથી વસૂલ કરેલી રકમમાંથી અડધી રકમ નવ ટકા વ્યાજ સાથે પાછી કરવાનો અને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.