ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
વેપારીઓ સામે છેલ્લા 75 વર્ષથી સતત દુર્લક્ષ કરવામાં આવ્યું છે અને દેશની કોઈપણ સરકારે વેપારીઓને તેમની પ્રાથમિકતામાં રાખ્યા નથી. વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માં ક્યારેય રસ દાખવ્યો નથી. દેશના સ્થાનિક વેપારને આગળ વધારવા માટે કોઈ પગલું ભર્યું નથી અને જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે એવી ફરિયાદ સાથે દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી સંસ્થા કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના બેનર હેઠળ દેશભરના વેપારી નેતાઓ સરકાર સામે આંદોલન કરવાના છે.
આ આંદોલન હેઠળ વેપારીઓને વોટ બેંક તરીકે જોડીને તેમને એકત્ર કરવામાં આવવાના છે. તે માટે 11મી માર્ચથી સમગ્ર દેશમાં સઘન રાષ્ટ્રીય આંદોલન શરૂ કરવામાં આવવાનું છે, જેમાં દેશના 40 હજારથી વધુ વેપારી સંગઠનો સામેલ થવાના છે, એવી માહિતી CAIT મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શ્રી શંકર ઠક્કરે આપી હતી.
નવો મહિનો નવા ફરેફાર, આજથી બદલાઈ ગયા બૅન્કિંગ સહિતના અનેક નિયમો; જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
CAITના પદાધિકારીના કહેવા મુજબ 23 અને 24 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં યોજાયેલી CAITની બે દિવસીય રાષ્ટ્રીય સંચાલન પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં દેશના તમામ રાજ્યોમાંથી 150 થી વધુ અગ્રણી વેપારીઓએ ભાગ લીધો હતો. મીટીંગમાં ભાગ લેતાં તમામ વેપારી આગેવાનોએ સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. દેશના રાજકીય માહોલે અત્યાર સુધીમાં વેપારીઓને ખૂબ જ છેતર્યા છે અને હંમેશા વેપારીઓને તેમના રાજકારણનું પ્યાદુ બનાવ્યું હોવાની ફરિયાદ પણ વેપારીઓએ કરી હતી.
બેઠકમાં સામેલ વેપારી આગેવાનોએ સર્વાનુમતે પસાર કરેલા ઠરાવમાં જણાવાયું હતું કે, વેપારી સમુદાય હવે આ સ્થિતિને સહન નહીં કરે અને દેશના વેપારીઓને મોટી વોટબેંકમાં ફેરવવા માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આંદોલન ચલાવવામાં આવશે. CAIT ટૂંક સમયમાં વેપારીઓનું રાષ્ટ્રીય ચાર્ટર બહાર પાડશે અને દેશના તમામ રાજકીય પક્ષોને ચાર્ટરમાં સમાવિષ્ટ મુદ્દાઓ પર તેમનું વલણ સ્પષ્ટ કરવા માંગ કરશે. હાલ ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણીમાં વેપારીઓએ કયા પક્ષને સમર્થન આપવું જોઈએ? તેનો પણ નિર્ણય લેશે.