ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
06 જાન્યુઆરી 2021
ઘરકા ભેદી લંકા ઢાયે.. જેવો જ હાલ હીરા વેપારી નીરવ મોદીનો થવા જઈ રહ્યો છે. તેની નાની બહેન પૂર્વી મહેતા હીરાના વેપારી નીરવ મોદી વિરુદ્ધ જુબાની આપી સરકારી ગવાહ બનવા તૈયાર થઈ છે.
જે પંજાબ નેશનલ બેંક અને અન્ય બેંકો સાથે રૂ.11,300 કરોડની ઠગાઈ બાદ ઇંગ્લેન્ડ ભાગી ગયો હતો. અગાઉ તેના પતિ મયંક મહેતાએ માફીના સાક્ષી બનવા માટે વિશેષ અદાલતમાં અરજી કરી હતી. કોર્ટે તેમની અરજી માન્ય પણ રાખી છે. તો હવે આ બંને બહેન-બનેવી નીરવ મોદી વિરુદ્ધ જુબાની આપવા જઈ રહ્યા છે.
મયંક અગાઉ બેલ્જિયન નાગરિક હતો અને હવે બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. ‘નીરવ મોદીએ કરેલા કૌભાંડથી આપણી ખાનગી અને વ્યવસાયિક જિંદગી બરબાદ થઈ ગઈ છે. અમે આ કેસમાં માફી માંગવા માગીએ છીએ. નીરવ મોદી અને અન્ય આરોપીઓ સામે અમારી પાસે કેટલાક નક્કર પુરાવા છે.' અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમે પુરાવા ઇડીને આપીશું.
2018 ની શરૂઆતમાં પૂર્વી મહેતાને ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ આપવામાં આવી હતી. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ માટે જારી કરવામાં આવે છે. ઈડી દ્વારા તેમના પતિ મયંક મહેતાને પણ નોટિસ પાઠવવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આરોપ છે કે આ કૌભાંડમાંથી નાણાં ફેરવવામાં તેનો હાથ હતો.
ઉલ્લેખનીય છે કે, પીએનબી કૌભાંડમાંથી નાણાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ), બ્રિટીશ વર્જિન આઇલેન્ડ અને સિંગાપોરમાં બોગસ કંપનીઓમાં રોકવામાં આવ્યાં છે. ભૂતકાળમાં મોદી તે બોગસ કંપનીઓના માલિક અને ડિરેક્ટર હતો. મોદીએ પીએનબી કૌભાંડમાં નાણાંનું રોકાણ મોન્ટેક્રેસ્ટો ટ્રસ્ટ, ઇથાકા ટ્રસ્ટ, ન્યુઝીલેન્ડ ટ્રસ્ટ નામના કેટલાક ટ્રસ્ટમાં કર્યું છે. તેના બાર્બાડોસ, મોરેશિયસ, સ્વિટ્ઝર્લેન્ડ, સિંગાપોર, બ્રિટન અને હોંગકોંગની બેંકોમાં ઘણા ખાતા છે.