ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ આજથી દુકાનો રાતના દસ વાગ્યા સુધી ખુલ્લી રહેશે, પરંતુ હૉટેલો ફક્ત સાંજના ચાર વાગ્યે બંધ કરવી પડશે. નવી ગાઇડલાઇન સામે હૉટેલ માલિકો બરાબરના ગિન્નાયા છે. સરકારના આવા સાવકા વ્યવહારથી નારાજ થયેલી હૉટેલ ઇન્ડસ્ટ્રીના સભ્યોની આ મુદ્દે આજે બેઠક થવાની છે, જેમાં આગળના પગલાં સંદર્ભમાં નિર્ણય લેવાના છે.
મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે મોડી રાતે નવી ગાઇડલાઇન બહાર પાડી હતી. એ મુજબ વેપારીઓને તો દસ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ હૉટેલોને ફક્ત સાંજના ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે અગાઉ અઠવાડિયાના પાંચ દિવસ હતી, એને હવે એ મંજૂરીને સાત દિવસની કરી નાખવામાં આવી છે. સરકારની નવી ગાઇડલાઇન સામે જોકે દેશભરમાં હૉટેલ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન હૉટેલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન (આહાર)એ સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે.
આહારના જનરલ સેક્રેટરી સુકેત શેટ્ટીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે સરકારે અમારી સાથે ભેદભાવ કર્યો છે. દુકાનો તેમ જ ઑફિસો 100 ટકા ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે, તો હૉટેલમાં કયો એવો કોરોનાનો સ્પેશિયલ વાયરસ છે, જે ફક્ત હૉટેલમાં જ આવે છે. અમને ઍટલિસ્ટ 50 ટકા કૅપેસિટી સાથે રાતના 11.00 વાગ્યા સુધી હૉટેલ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે એવી અપેક્ષા હતી, પરંતુ સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે.
અમારી ઇન્ડસ્ટ્રી કોરોનાને પગલે મરણપથારીએ છે. હૉટેલ માલિકોને તેમનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ ગયું છે. નવી ગાઇડલાઇનમાં અમારા વિશે વિચાર કરવામાં આવ્યો નથી. સરકારની આવી ભેદભાવભરી નીતિ સામે આગળ શું પગલાં લેવાં એ બાબતે આજે મહારાષ્ટ્રના તમામ હૉટેલના સભ્યોની મિટિંગ થવાની છે. ત્યાર બાદ આગળની રણનીતી જાહેર કરવામાં આવશે એવું સુકેત શેટ્ટીએ કહ્યું હતું.