ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
દેશમાં હાલની સરકારે ઘણી રાષ્ટ્રીયકૃત બેન્કો અને સંસ્થાઓનું ખાનગીકરણ કર્યું છે. હવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (આઈડીબીઆઈ)નું પણ ખાનગીકરણ થવાનું છે. બુધવારે કેન્દ્ર સરકારે આઈડીબીઆઈ બેન્કના વિનિવેશની મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી મંત્રીમંડળની બેઠકમાં આઈડીબીઆઈ બેન્કના વિનિવેશ અને મેનેજમેન્ટ કંટ્રોલનું હસ્તાંતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આઈડીબીઆઈ બેન્કમાં હાલ સરકારનો ૪૫.૪૮ ટકા અને એલઆઈસીનો ૪૯.૨૪ ટકા હિસ્સો છે. આ રીતે સરકારની કુલ હિસ્સેદારી ૯૪ ટકા જેટલી છે. કોણ કેટલો ભાગ વેચશે તેનો નિર્ણય બેન્કના પુનર્ગઠન સમયે લેવામાં આવશે.
એલઆઈસીએ પણ એક પ્રસ્તાવ બહાર પાડીને આઈડીબીઆઈ બેન્કમાંથી પોતાની હિસ્સેદારી ઓછી કરવાનું નક્કી કર્યું છે. સંસ્થાએ કહ્યું હતું કે, બેન્કમાં એલઆઈસીનું શેરહોલ્ડિંગ ઓછું કરવાનું કામ સરકારના વિનિવેશ કાર્યક્રમની સાથે કરી શકે છે. તદોપરાંત એલઆઈસીએ આઈડીબીઆઈ બેન્કનો મેનેજમેન્ટ કંટ્રોલ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં પણ એલઆઈસી જ આઈડીબીઆઈનું મેનેજમેન્ટ સંભાળે છે.
ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત સરકાર એલઆઈસીમાં પણ પોતાનો હિસ્સો ઓછો કરવા માંગે છે.