ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. દેશભરમાં તેમના જન્મદિવસ નિમિત્તે મોદીભક્તો દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. એમાં આજે નવી મુંબઈની એપીએમસી માર્કેટના દાણાબજારના અનાજ-કઠોળના હોલસેલ વેપારી કમલેશ ઠક્કર પણ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઊજવી રહ્યા છે.
નરેન્દ્ર મોદીના આ અનેરા ચાહકે બે દિવસ માટે ગ્રાહકોને અનાજ-કઠોળ પર ડિસ્કાઉન્ટની સ્કીમ રાખી છે. આજે અને આવતી કાલ એમ બે દિવસ ગ્રાહકોને અનાજ-કઠોળ પર ડિસ્કાઉન્ટ મળશે.અનાજબજારના અગ્રણી ફર્મ અક્ષર ઍગ્રી કૉમોડિટીઝના કમલેશ ઠક્કર મોદીના જન્મદિવસની છેલ્લાં 12 વર્ષથી ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપીને ઉજવણી કરી રહ્યા છે. તેઓએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે હું વર્ષોથી તેમનો ચાહક રહ્યો છે. તેમનો શુભેચ્છક હોવાની સાથે જ તેમના પ્રત્યે ભારે સન્માન છે. લોકો પ્રત્યે તેમની કામ કરવાની ભાવનાથી હું અત્યંત પ્રભાવિત છું. એથી તેમના જન્મદિવસે લોકો માટે કંઈક કરવાની ભાવના મનમાં હતી. બારેક વર્ષથી તેમના જન્મદિવસે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાનું ચાલુ કર્યું હતું.
એપીએમસીમાં દાણાબજારમાં કમલેશ ઠક્કરની દુકાનમાં આજે સવારથી મોટી સંખ્યામાં દલાલભાઈઓ અને બ્રોકરોની ભીડ જોવા મળી રહી છે. વર્ષોથી તેમને ત્યાં ખરીદી માટે આવનારા રીટેલ ગ્રાહકોએ પણ આજે તેમને ત્યાં ભીડ કરી છે. બે દિવસ ચાલનારી ડિસ્કાઉન્ટ સ્કીમ બાબતે કમલેશ ઠક્કરે જણાવ્યું હતું કે બે દિવસ ચાલનારા આ અનોખા કાર્યક્રમની અમારા ગ્રાહકો પણ રાહ જોતા હોય છે. દિવસ દરમિયાન લગભગ 5 હજાર કટ્ટા (બાચકાં) બે દિવસમાં લગભગ 12 હજાર અનાજ-કઠોળનાં બાચકાં વેચાવાનો અમારો અંદાજો છે. એક બાચકું 30 કિલોનું હોય છે.
આજ અને આવતી કાલે અનાજ-કઠોળના ભાવમાં પ્રતિ કિ્વન્ટલે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ રહેશે. એટલે કે આજે તેમને ત્યાં તુવેર દાળ પ્રતિકિલોએ 90 રૂપિયાના ભાવે મળશે. મસુર 86 રૂપિયા પ્રતિકિલો હશે. ચણા દાળ પ્રતિકિલોએ 63 રૂપિયા મળશે.