ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ટાટા ગ્રુપની 150મી ઍનવર્સરી ઉજવણી નિમિત્તે કાર જીતો એવી લલચામણી લિંક ફરી રહી છે. લોકો વગર વિચાર્યે આ લિંકને સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને મોકલી રહ્યા છે, ત્યારે પોલીસની સાયબર બ્રાન્ચે આ લિંકને ઓપન નહીં કરવાની અને એમાં અંગત માહિતી અપલોડ નહીં કરવાની અપીલ કરી છે. કાર જીતવાની આવી ફસામણી જાહેરાતનો ભોગ નહીં બનવાની પણ પોલીસે લોકોને અપીલ કરી છે.
“ટાટા ગ્રુપને 150 વર્ષ થયાં હોવાથી લિંક પર ક્લિક કરી ઇવેન્ટનો ભાગ બનો અને કાર જીતો” આ મુજબનો મૅસેજ ફરી રહ્યો છે. ટાટા ગ્રૂપે તુરંત આવી કોઈ જાહેરાત તેમણે કરી ન હોવાનું સત્તાવાર રીતે સ્ટેટમેન્ટ બહાર પાડીને લોકોને ચેતવ્યા હતા. છતાં અનેક લોકોએ આ લિંક પર ક્લિક કરીને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ફરિયાદ આવી હતી. એથી સાયબર બ્રાન્ચે તુરંત એની નોંધ લઈને તપાસ ચાલુ કરી હતી. આવી લિંક દ્વારા લોકોની અંગત માહિતી મેળવીને ઑનલાઇન ફ્રૉડ કરનારી આખી ગૅન્ગ છે. એથી આવી છેતરપિંડીનો ભોગ બનવું નહીં એવું સાયબર પોલીસે તાજેતરમાં એક સ્ટેટમેન્ટ બહાર પાડીને લોકોને ચેતવ્યા છે.