News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીની અસરમાંથી બહાર નીકળેલા ભારતીય અર્થતંત્ર ગાડી પૂરઝડપે દોડી રહી છે. એ સાથે જ ભારતના શેરબજારમાં રોકાણકારોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10 કરોડને પાર કરી ચૂકી છે. તેમાં પણ અનેક અગ્રણી કંપનીઓ પોતાના IPO બજારમાં લઈ આવી છે, જેણે લોકોમાં સારો ક્રેઝ ઊભો કર્યો છે. છેલ્લા 91 દિવસમાં એક કરોડ નવા રોકાણકારો શેરબજારમાં ઉમેરાયા છે.
લોકોનો શેરબજારમાં પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે. નવા રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનું કારણ નવી કંપનીઓના IPOની સાથે જ LICના IPOને પણ માનવામાં આવે છે. આ મેગા IPOમાં તેના વીમા પોલિસીધારકોને 10 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવાની અટકળો વચ્ચે મોટી સંખ્યામાં LICના પોલિસી ધારકોએ ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે.
BSE ના આંકડા મુજબ 15 ડિસેમ્બરે તેના રજિસ્ટર્ડ ઈનવેસ્ટરોની સંખ્યા 9 કરોડ હતી, તે 16 માર્ચના 10 કરોડને પાર કરી ગઈ હતી. વર્ષ 2008માં BSEના રજિસ્ટર્ડ ઈનવેસ્ટરોની સંખ્યા પહેલી વખત એક કરોડ પર પહોંચી હતી. છેલ્લા 14 વર્ષમાં રોકાણકારોની સંખ્યા 10 ગણી વધીને 10.08 કરોડ થઈ છે. હાલ BSEમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય 254.45 લાખ કરોડ રૂપિયા છે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં અબજોપતીની યાદીમાં ગુજરાતીઓનો દબદબો, દેશના ટોચના 10 ધનાઢ્યો માંથી આ ગુજરાતીઓ પાસે છે આટલા અબજ ડોલર.. જાણો વિગતે
દેશમાં ખાસ કરીને મણિપૂર, મધ્ય પ્રદેશ, લક્ષદ્વીપ, ઓરિસ્સા, અસમ અને અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ નવા રોકાણકારો ઉમેરાયા છે. આ રાજ્યોમાં રોકાણકારોની સંખ્યા 100થી 300 ટકાનો વધારો થયો છે, જેમા અસમમાં રોકારણકારોની સંખ્યા વાર્ષિક તુલનાએ 286 ટકા વધી ગઈ છે, જ્યારે સમગ્ર દેશમાં 58 ટકાની વૃદ્ધિ થઈ છે. મધ્ય પ્રદેશમાં રોકાણકારોની સંખ્યા એક વર્ષમાં 109 ટકા, છત્તીસગઢમાં 77 ટકા, બિહારમાં 116 ટકા, રાજસ્થાનમાં 84.8 ટકા, ઉત્તર પ્રદેશમાં 84 ટકા રોકાણકારો વધ્યા છે.
સૌથી વધારે રજિસ્ટર્ડ ઈનવેસ્ટરોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 2.06 કરોડ રોકાણકારો છે, જે કુલ સંખ્યાના લગભગ 21 ટકા છે. ગુજરાત 1.01 કરોડ એટલે કે 11 ટકા રજિસ્ટર્ડ ઈન્વેસ્ટરો સાથે બીજા નંબરે છે. તો મધ્ય પ્રદેશમાં 46 લાખ, પંજાબમાં 22 લાખ, હરિયાણામાં 31.9 લાખ, રાજસ્થાનમાં 56.30 લાખ, ઉત્તર પ્રદેશમાં 85.43 લાખ, દિલ્લીમાં 48.66 લાખ, છત્તીસગઢમાં 9.1 લાખ, બિહારમાં 30.61 લાખ અને ઝારખંડમાં 15.41 લાખ રોકાણકારો છે. ફેબ્રુઆરીની સરખામણીમાં 31.82 લાખ રોકાણકારો ઉમેરાયા છે.