ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
ડુંગળી ના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. જેને કારણે લોકો પર વધારાનો બોજો આવી પડ્યો છે. ડુંગળી ના વધતા ભાવ કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. દેશમાં ડુંગળીનો પૂરવઠો વધારવા માટે સરકારે ડુંગળીની આયાત ના નિયમોમાં ઢીલ આપી છે. આ સાથે જ વધતા ભાવને કાબૂમાં લેવા માટે બફર સ્ટોકથી વધુ ડુંગળી બજારમાં ઠાલાવવાનો પણ નિર્ણય લેવાયો છે.
દેશમાં નવો પાક આવવામાં હજુ મહિનાનો સમય બાકી છે આવામાં ડુંગળીનો પૂરવઠો વધારવા માટે સરકાર આયાત પર ભાર મૂકી રહી છે. દેશના સૌથી મોટા ડુંગળીના બજાર લાસણગાંવમાં ડુંગળીનો સરેરાશ ભાવ 7300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. આ ભાવ છેલ્લા 10 મહિનામાં સૌથી વધુ છે. જ્યારે કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે ચેન્નાઈમાં ડુંગળીનો છૂટક ભાવ 73 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. દિલ્હીમાં ડુંગળીના ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો, કોલકાતામાં 65 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં 67 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. એક અંદાજ છે કે જો આ રીતે જ ભાવ વધતા રહ્યા તો ડુંગળીના ભાવ દિવાળી સુધીમાં તો 100 રૂપિયે કિલો પહોંચી જશે.
આ અગાઉ પણ ડુંગળીના ભાવ કાબૂમાં કરવા માટે 19 ઓક્ટોબરના રોજ નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં ઈરાનથી 600 ક્વિન્ટલ ડુંગળી આવી હતી. અત્રે જણાવવાનું કે 14 ઓક્ટોબરના રોજ ડુંગળીના વેપારીઓ પર થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહી બાદ મંડીમાં વેપારીઓ આવતા ન હતા, એટલે કે એક પ્રકારે બજારમાં ડુંગળીનું કામકાજ બંધ હતું. ગત સોમવારે જ્યારે બજાર ખુલ્યા તો ડુંગળીના ભાવમાં 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીનો અચાનક ઉછાળો જોવા મળ્યો. જોકે સરકાર ડુંગળી ના કાળાબજાર રોકવા તમામ પ્રયાસો કરી રહી છે..
