ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 15 ઓક્ટોબર, 2021
શુક્રવાર.
છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદાના ભાવ વધી ગયા છે. આગામી સમયમાં કાંદાના ભાવમાં હજી ઉછાળો જોવા મળવાનો છે. હજી બેથી ત્રણ મહિના કાંદાના ભાવ ઉંચા રહેવાની શકયતા બજારના નિષ્ણાતો વ્યકત કરી રહ્યા છે.
તાલિબાનના રાજથી અફઘાનિસ્તાનથી આયાત-નિકાસ બધુ બંધ થઈ ગયું હતું. જોકે હવે ધીરે ધીરે ફરી વેપાર-ધંધો ચાલુ થયો છે. હાલમાં જ કાંદાની આયાત કરવામાં આવી હતી, જેમાં કાંદાનો મોટો જથ્થો અમૃતસરમાં આવી પહોંચ્યો હતો. તેને કારણે પ્રતિ કિવન્ટલે ભાવમાં થોડો ઘટાડો થયો હતો. જોકે હાલ આવેલો જથ્થો પ્રમાણમાં બહુ ઓછો છે, એટલે બજારમાં કાંદાની ડીમાન્ડ સામે આ કાંદા નગણ્ય કહેવાય. બજારના નિષ્ણાતોના કહેવા મુજબ આગામી બેથી ત્રણ મહિના કાંદાના ભાવ ઊંચા જ રહે એવી શકયતા છે.
એપીએમસી બજારમાં કાંદા-બટાટા બજાર સાથે સંકળાયેલા અને એપીએમસીના ભૂતપૂર્વ ડાયરેકટર રાજેન્દ્ર રાસકરે જણાવ્યું હતું કે ચોમાસાએ આ વખતે કાંદાના પાકને બહુ નુકસાન પહોંચાડયું છે. દેશના મોટાભાગના વિસ્તારમાં સતત રહેલા વરસાદને કારણે નવા કાંદાના પાકને બહુ નુકસાન થયું છે. સામાન્ય રીતે ચોમાસામાં લાગેલા કાંદા દશેરાની આસપાસ બજારમાં આવતા હોય છે. જોકે વરસાદે કાંદાને બહુ નુકસાન પહોંચાડયુ છે. તો સ્ટોરેજમાં રહેલો કાંદાના માલ પણ સડી ગયો છે. તેથી બજારમાં હાલ બહુ ઓછો પ્રમાણમાં કાંદાનો સ્ટોક ઠલવાઈ રહ્યો છે. તેથી કાંદાના ભાવ વધી ગયા છે. અફઘાનિસ્તાથી કાંદાનો માલ આવી રહ્યો છે પરંતુ આપણા દેશમાં કાંદાની ડીમાન્ડ સામે ત્યાંથી ઓછી માત્રામાં આવેલો કાંદો પૂરતો નથી. કાંદાના નવા પાકને બજારમાં આવતા હજી બીજા બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. તેqથી હજી થોડા સમય કાંદાના ભાવ ઊંચા જ રહેવાની શકયતા છે.