ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ હૉટેલ ઇન્ડસ્ટ્રીને રાતના 10 વાગ્યા સુધી હૉટેલ અને રેસ્ટોરાં ખુલ્લી રાખવાની મંજૂરી તો આપી દીધી છે, પરંતુ વેક્સિનના બંને ડોઝ લીધેલા કર્મચારીઓને જ કામે રાખવાની શરત રાખી છે. એની સામે રાજ્યભરના તમામ હૉટેલ અને રેસ્ટોરાંના માલિકોએ નારાજગી વ્યક્ત કરી છે. વેક્સિનના બંને ડોઝ લીધેલા કર્મચારી લાવવા ક્યાથી? અને હૉટેલમાં કામ કરનારા કર્મચારીઓ જેમના વેક્સિનના બંને ડોઝ થયા નથી, તેમને શું નોકરી પરથી કાઢી નાખવા એવો સવાલ પણ હૉટેલ માલિકો કરી રહ્યા છે?
હૉટેલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયાએ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની સખત ટીકા કરી છે. તેમના કહેવા મુજબ હૉટેલમાં કામ કરનારા મોટા ભાગના કર્મચારી 18થી 45 વર્ષના છે. આ એજ-ગ્રુપના મોટા ભાગના લોકોના વેક્સિનના બંને ડોઝ થયા નથી, તો વેક્સિનના બંને ડોઝ લીધેલો સ્ટાફ લાવવો ક્યાંથી?
સરકારના આ નિર્ણય બાબતે ઑલ ઓવર ઇન્ડિયાની હૉટેલનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા આહારના પ્રેસિડન્ટ શિવાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે કે સરકારનો આ નિર્ણય ખોટો છે. હૉટેલમાં કામ કરનારા સ્ટાફમાંથી હાલ 3 ટકા લોકો જ ફુલ્લી વેક્સિનેટેડ છે. બાકીના લોકોને શું અમે કામ પરથી કાઢી નાખીએ? વેક્સિન નહીં લેનારાને કામ કરવાનો અને જીવવાનો અધિકાર નથી? એક તરફ વેક્સિનના બંને ડોઝ લેનારા કર્મચારીઓને કામ પર રાખવાની સરકાર શરત રાખે છે, પણ બીજી તરફ વેક્સિનના અભાવે મોટા ભાગના દિવસોમાં વેક્સિનેશન બંધ હોય છે. સરકારની બેદરકારીને કારણે લોકોને વેક્સિન નથી મળી રહી અને હવે સરકાર તેમના જીવવાનો અને આજીવિકા રળવાનો અધિકાર પણ છીનવી રહી છે.
ભારતીય શેરબજારે આજે નવો રેકોર્ડ બનાવ્યો: સેન્સેક્સ 55 હજારને પાર તો નિફ્ટી આટલા હજાર ને પાર
સરકારને એનો નિર્ણય બદલવાની વિનંતી કરી છે એવી માહિતી આપતાં શિવાનંદે કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ લીધેલા લોકોને પણ કામ કરવાની મંજૂરી આપવાની સરકારને અમે માગણી કરી છે. જ્યાં સુધી ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી હતી ત્યારે વેક્સિનના બંને ડોઝ નહીં લેનારો કર્મચારી તેમને ચાલતો હતો. હવે રાતના 10 વાગ્યા સુધી હૉટેલ ખુલ્લી રાખવાની મંજૂરી આપી દીધી છે, તો હવે વેક્સિનના બંને ડોઝ લીધેલા કર્મચારીને જ કામ પર રાખવાની શરત રાખી છે. સરકારની આ શરત વ્યવહારુ નથી.