ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
હાલ દેશમાં વાર તહેવારોની મોસમ ચાલી રહી છે. સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે ઍવામાં ખાદ્યતેલ માર્કેટમાં ભાવવધારાનો ઈતિહાસ રચાયો છે. નવી સીઝન વેળાએ ભાવો ઘટવાને બદલે બેફામ રીતે વધવા લાગ્યા છે. સીંગતેલનો ડબ્બો 2300ની નજીક પહોચ્યાનું અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. સીંગતેલ લુઝનો ભાવ આજે બપોર સુધીમાં જ 25 રૂપિયા વધીને 1350 થયો હતો. સીંગતેલ ટેકસપેઈડ નવા ડબ્બાનો ભાવ 2300ની નજીક પહોંચ્યો હતો અને ડબ્બે રૂા.30 વધ્યા હતા. વેપારીઓએ કહ્યું કે ચાલુ ઓકટોબર મહિનામાં અત્યાર સુધીના 21 દિવસમાં 165 રૂપિયાનો ભાવવધારો થયો છે. 1લી ઓકટોબરે સીંગતેલ નવા ડબ્બાનો ભાવ 2115 હતો તેના આજે 2280 હતા. છેલ્લા 12 દિવસમાં જ 125 રૂપિયા વધી ગયા છે. તેલબજારના સૂત્રોએ કહ્યું કે દસ કિલો લુઝનો ભાવ આજે 1350 થયો હતો. ટ્રેન્ડ હજુ તેજીનો જ હોવાથી એકાદ દિવસમાં જ ભાવ 1400ને આંબી જાય તેમ છે. આ સંજોગોમાં સીંગતેલમાં ડબ્બે 70-80 રૂપિયા વધી શકે છે.
વાત કરીએ મગફળીની તો, તેની આવક વધી રહી છે. વધુ સંખ્યામાં તેલમીલો પણ ધમધમવા લાગી છે, છતાં હાજર બજારમાં કોઈ દબાણ વર્તાતુ નથી. સીંગતેલની જેમ મગફળીના ભાવો પણ ઉંચકાતા રહ્યા છે. માર્કેટયાર્ડમાં આજે મગફળી હરરાજીમાં ઉંચામાં ઊંચા રૂપિયા 1140 સુધીના ભાવે વેચાય હતી. વેપારીઓએ કહ્યું કે સુપર કવોલીટી હોય તો 1200 જેવા ભાવ પણ મળી રહ્યા છે. અત્યારની સ્થિતિએ સરેરાશ 1000 રૂપિયા મળે છે. સરકારી ટેકાનો ભાવ 1055 છે. ખેડુતોને ખુલ્લા બજારમાં જ સારા ભાવ મળવા લાગ્યા હોવાથી યાર્ડમાં વેપાર વધવાનું મનાય છે.