ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
મોટા ભાગની ઓનલાઈન કોમર્સ કંપની પોતાના ગ્રાહકોના ફોન નંબર, જન્મતારીખથી લઈને ઘરનો એડ્રેસ વગેરે માહીતી મેળવતી હોય છે. પરંતુ જો તમે જાણશો કે ઓનલાઈન કંપનીઓ પોતાના ગ્રાહકોની કેવી કેવી માહિતી રાખે છે તો તમે ચોંકી જશો. કારણ કે તેની પાસે ગ્રાહકોની જે માહિતી હોય છે તેને જાણીને એવું લાગશે કે તે ગ્રાહકોની જાસૂસી કરે છે.
અમેરિકાના વર્જીનીયામાં સાંસદ રહેલા ઈબ્રાહીમ સમીરાને તેનો અનુભવ થયો છે. અમેરિકાની ઈ-કોમર્સ કંપની એમેઝોન પાસે સમીરાના ફોનમાં રહેલા 1,000થી વધુ કોન્ટેક નંબર તો હતા. પરંતુ સાથે જ સમીરાએ છેલ્લે 17 ડિસેમ્બર 2020માં કુરાનનો કયો હિસ્સો સાંભળ્યો હતો, તેની દરેક માહિતી હતી. તેણે ઈન્ટરનેટ પર સર્ચ કરેલી તમામ જાણકારી એમેઝોન પાસે હતી. સમીરાની જે અંગત બાબતો હતી, તેની વિગત પણ એમેઝોન પાસે હોવાની જાણ થતા જ ઈબ્રાહિમ સમીરા ચોંકી ગઈ હતી અને કંપની સામાન વેચે છે કે લોકોની જાસૂસી કરે છે એવો સવાલ પણ તેણે કર્યો હતો.
સમીરાએ સમાચાર એજેન્સી રોયટર્સના માધ્યમથી એમેઝોનને સવાલ પણ કર્યો કે ગ્રાહકોની તેણે કઈ કઈ જાણકારી ભેગી કરી છે? એમેઝોન પોતાના ડીવાઈસ એલેક્સાની સાથે જ જુદી જુદી એપ કિંડલ ઈ-રીડર, ઓડિબલ, વિડિયો અને મ્યુઝિક પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકોની અનેક વિગતો જમા કરે છે. અલેક્સાથી જોડાયેલા ડિવાઈસ ઘરની અંદરની રેકોર્ડિંગ કરે છે અને બહાર લાગેલા કેમેરામાં આવતા જતા તમામ લોકોને રેકોર્ડ કરે છે.
એમેઝોન પાસે તમારી હાઈટ, વજન, કલર, રાજકીય ઝુકાવ, તમારી પસંદ-નાપસંદ વગેરે તમારી માહિતી છે. એટલું જ નહીં પણ તમે કઈ તારીખે કોને મળ્યા હતા અને શું વાત કરી હતી તેની વિગત પણ એમેઝોન પાસે હોય છે.
સમાચાર એજેન્સી રોયટર્સમાં આવેલા રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2017 અને જૂન 2021ના સમયગાળામાં એલેક્સાએ 90,000 રેકોર્ડિંગ કરી હતી. એટલે કે રોજની 70 રેકોર્ડિગ તેણે કરી હતી, જેમાં બાળકોના અને તેમના પસંદગીના ગીતો પણ સમાવેશ થાય છે.
એમેઝોને બાળકો વચ્ચે થતી વાતને પણ રેકોર્ડ કરી હતી, જેમાં બાળક પોતાના માતા-પિતાને કઈ ગેમ ખરીદવા કહે છે અને તે કેવી રીતે તેમને મનાવે છે. અમુક રેકોર્ડિંગમાં પરિવારના સભ્યો વચ્ચે આપસમા થયેલી વાતચીત પણ રેકોર્ડ થઈ છે.
સમાચાર એજેન્સી રોયટર્સનાના રિપોર્ટ મુજબ આ અંગત વિગતો એમેઝોન પાસે સુરક્ષિત છે કે નહીં તે ચોક્કસ કઈ શકાય નહીં.