ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
તમામ રાજ્યોના અર્થમંત્રીઓના સમાવેશ સાથે ગુડ્સ સર્વિસ ઍન્ડ ટૅક્સ (GST) કાઉન્સિલની લખનઉ ખાતે શુક્રવારે યોજાયેલી બેઠકમાં પેટ્રોલ-ડીઝલનો સમાવેશ GSTમાં કરવાને લઈને વિરોધ થયો હતો. એથી પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની નાગરિકોની આશા પર પાણી ફરી વળ્યું છે. જો પેટ્રોલ-ડીઝલનો સમાવેશ GSTમાં થતે તો એને કારણે પેટ્રોલ લગભગ 25 રૂપિયા તો ડિઝલ 22 રૂપિયાથી સસ્તુ થયું હોત. પરંતુ તમામ રાજ્યોના વિરોધને પગલે કેન્દ્ર સરકારને પાછું પગલું ભરવું પડ્યું. આ પ્રસ્તાવનો હાલ પૂરતો વીટો વળાઈ ગયો છે. એને પગલે સામાન્ય નાગરિકોને નિરાશ થવાનો વખત આવ્યો છે.
હાલ મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર પ્રતિ લિટર કેન્દ્રના 32, તો રાજ્યના 26 રૂપિયાનો કર છે. ઈંધણમાં દરવધારો થવાની સાથે જ જીવનાવશ્યક વસ્તુઓ મોંઘી થઈ છે. એથી મોદી સરકારે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કેન્દ્રના આ પગલાથી રાજ્ય સરકારની આવકને ફટકો પડી શકે છે. હાલ પેટ્રોલ-ડીઝલ પર રાજ્ય સરકાર પણ વેરો વસૂલે છે, એના થકી રાજ્યોને કરોડો રૂપિયાની આવક થાય છે. જો GST હેઠળ એ આવી જાય તો રાજ્ય સરકારને કંઈ મળે નહીં અને એની તિજોરી ખાલી થઈ જાય. એથી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્ય દ્વારા કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ જ ભવિષ્યમાં પણ હવે આ પ્રસ્તાવ પાછો આવવાની શક્યતા નહિવત્ થઈ ગઈ છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના વધુ ઊંચા ભાવ ચૂકવવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે.