News Continuous Bureau | Mumbai
Petrol Diesel Price। હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલી નાકેબંધીના કારણે વિશ્વભરમાં તેલનું સંકટ સતત ઘેરૂ બનતું જઈ રહ્યું છે, પરંતુ તેનું કોઈ કાયમી સમાધાન થતું દેખાતું નથી. શરૂઆતના તબક્કામાં અમેરિકાએ કેટલાક દેશો પર લાદવામાં આવેલા તેલ નિકાસના પ્રતિબંધો હટાવી લીધા હતા, જેમાં રશિયા પણ સામેલ હતું. આ જ કારણે ભારત સતત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતું રહ્યું અને દેશમાં તેલની તંગી વર્તાઈ નહીં. આ વ્યૂહરચનાથી ભારત દુનિયાના સૌથી ખરાબ તેલ સંકટના ફટકાથી બચી ગયું હતું, પરંતુ હવે ભારત માટે આ ખાસ વિન્ડો પણ બંધ થતી જોવા મળી રહી છે. અમેરિકાએ હવે રશિયન તેલ ખરીદવા માટે ભારતને આપેલી વિશેષ છૂટછાટ આગળ લંબાવવાનો સાફ ઇનકાર કરી દીધો છે.
ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયથી ભારતીય રિફાઇનરીઓ મુશ્કેલીમાં
ટ્રમ્પ પ્રશાસનનો આ નિર્ણય કાગળ પર ભલે સામાન્ય દેખાય, પરંતુ ભારતના એનર્જી સેક્ટર માટે આ એક બહુ મોટો ઝટકો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર ખૂબ ધીમી પડી ગઈ છે અને દરિયાઈ વીમાનો ખર્ચ પણ વધી ગયો છે. વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમત યુદ્ધ શરૂ થતાં પહેલાં પ્રતિ બેરલ આશરે ૭૨ ડોલર હતી, જે હવે વધીને ૧૦૫ ડોલરથી ઉપર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ભારત સામે બેવડી મુશ્કેલી ઊભી થઈ છે. મધ્ય પૂર્વના દેશોમાંથી તેલનો પુરવઠો પહેલેથી જ અસ્થિર છે, અને હવે રશિયન તેલ પર ફરીથી પ્રતિબંધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં તાજેતરમાં જ ઈંધણના ભાવમાં અંદાજે ૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ભારત માટે મોટો આર્થિક કવચ સાબિત થયું હતું રશિયન તેલ
યુક્રેન-રશિયા યુદ્ધ બાદ અમેરિકાએ રશિયાના તેલ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ભારત અને ચીન સતત તેની ખરીદી કરતા રહ્યા, જેના બદલામાં રશિયાએ બંને દેશોને ડિસ્કાઉન્ટેડ ક્રૂડ આપ્યું હતું. છેલ્લા બે વર્ષથી આ સસ્તું તેલ ભારત માટે મોંઘવારી સામે રક્ષણ આપતું સૌથી મોટું કવચ સાબિત થયું હતું. ભારતે મોટી માત્રામાં રશિયન તેલ ખરીદ્યું અને ઘરેલું રિફાઇનરી કંપનીઓએ સારો નફો કમાયો હતો. સમય જતાં રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર દેશ બની ગયો હતો. પરંતુ ત્યારબાદ જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો, ત્યારે હોર્મુઝની ખાડીની આસપાસ તણાવ વધતાં સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત અને યુએઈથી થતા તેલના સપ્લાયમાં પણ અવરોધ ઊભો થયો છે.
રશિયા પરની અતિશય નિર્ભરતાથી મોંઘવારી વધવાનો ખતરો
અમેરિકાએ આપેલી આયાતની આ છૂટછાટ રવિવારે સમાપ્ત થઈ ગઈ છે, જેના કારણે ભારતીય રિફાઇનરીઓ માટે જોખમ વધી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતના ૮૫ ટકાથી વધુ કાચું તેલ વિદેશથી ઈમ્પોર્ટ કરે છે. તેલના ભાવમાં કોઈપણ વધારો સીધો જ દેશની મોંઘવારી, સરકારી નાણાકીય વ્યવસ્થા અને આર્થિક વૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે. કેપ્લરના ડેટા અનુસાર, મે મહિનામાં ભારતની રશિયન તેલની આયાત વધીને રેકોર્ડ ૨.૩ મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ હતી, જે ભારતના કુલ તેલ આયાતના અડધા ભાગ જેટલી છે. જો પ્રતિબંધોના ડરથી રશિયા પાસેથી ખરીદી ઓછી કરવી પડશે, તો ભારતે ફરી મધ્ય પૂર્વના દેશો તરફ વળવું પડશે જ્યાં કિંમતો પહેલેથી જ આસમાને છે. આનાથી પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધશે, જેને રોકવા માટે સરકાર ટેક્સમાં કટોકટી અથવા સબસિડી જેવા કડક પગલાં વિચારવા મજબૂર બનશે.
👉 આ સમાચાર વાચો:
China Earthquake| ભૂકંપથી ધ્રુજ્યું ચીન ૫.૨ની તીવ્રતાના આંચકાથી મકાનો જમીનદોસ્ત, ૨ નાગરિકોના કરુણ મોતથી અરેરાટી