ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
23 જાન્યુઆરી 2021
બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 92.28ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલમાં 25 પૈસાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં શનિવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 85.70 થયો હતો જ્યારે ડિઝલનો ભાવ રૂ. 75.88 થયો હતો. મુંબઈમાં પેટ્રોલ ઓલ ટાઈમ હાઈ સ્તરે રૂ. 92.28 થયું હતું તેમજ ડિઝલનો ભાવ રૂ. 82.66 થયો હતો.
વિદેશમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનનો જથ્થો સ્થગિત થવાના એંધાણ તેમજ આયાતમાં પડતા બોજને પગલે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રિટેલ ભાવમાં ફેરફાર કરે છે. દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પર કેન્દ્રનું નિયંત્રણ નથી અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તેમની રીતે ભાવમાં વધઘટ કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ વસૂલે છે. ત્યારે દેશમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી કેન્દ્રીય એક્સાઈઝ ઘટાડવા બૂમો ઉઠી રહી છે.
નોંધનીય છે કે ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને થોડા દિવસ અગાઉ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પાછળ સાઉદી દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં કાપને જવાબદાર ઠેરવ્યો હતો. જો કે તેમણે એક્સાઈઝ ઘટાડા અંગે કંઈ જ જણાવ્યું ન હતું. દેશમાં જાન્યુઆરીથી ઓઈલ કંપનીઓએ ઈંધણ પર ફરી ભાવ વધારો કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલ ઉપર લિટરદીઠ રૂ. 1.99 અને ડિઝલ ઉપર પ્રતિ લિટરે રૂ. 2.01નો વધારો ઝિંકાયો છે.
