ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
કપડા ઉદ્યોગ પર GST કાઉન્સિલ દ્વારા પ્રસ્તાવિત GST વધારો રદ કરવાની લાંબા સમયથી દેશભરના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી વેપારી સંસ્થા દ્વારા માગણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય કાપડ મંત્રી, માનનીય પીયૂષ ગોયલે ટેક્સટાઇલ સેક્ટરમાં GST વધારાના પ્રસ્તાવિત દરને ઘટાડવા માટે ટેક્સટાઇલ મંત્રાલય વતી GST કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવશે એવું આશ્વાસન મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીને આપવામા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ લલિત ગાંધીની આગેવાની હેઠળના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે નવી દિલ્હીમાં પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી અને તેમને ટેક્સટાઈલ ઉદ્યોગને હાલ જુદી જુદી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે માહિતી આપી હતી.
ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં પ્રસ્તાવિત GST વધારો ઉદ્યોગને ભારે ફટકો પડવાની સંભાવના છે અને તે વધારો રદ કરવો જરૂરી હોવાનું લલિત ગાંધીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ, ગ્રાહક સુરક્ષા, ખાદ્ય પ્રક્રિયા અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધી મંડળને કાપડ ઉદ્યોગને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની યોગ્ય નોંધ સરકાર દ્વારા લેવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.