ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ, 2021
ગુરુવાર
મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વિહિકલ પૉલિસી-2021 જાહેર કરી છે, જેમાં સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. ઈ વાહન ખરીદનારાને ટૅક્સમાં રાહત આપવાથી લઈને અનેક પ્રકારના ઇન્સેન્ટિવ આપવામાં આવવાના છે, તો આ ઇલેક્ટ્રિક વાહનો(EV) ચાર્જ કરવા માટે ચાર્જિગ સ્ટેશનની આવશ્યકતા નિમાર્ણ થશે, જે હાઉસિંગ સોસાયટીઓ પોતાના પરિસરમાં પ્રાFવેટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે તેમને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાની પણ સરકારે જાહેરાત કરી છે.
નવી ઇલેક્ટ્રિક વિહિકલ પૉલિસી-2021 હેઠળ આવતા વર્ષથી મહારાષ્ટ્રમાં તમામ સરકારી વાહનો ઇલેક્ટ્રિક હશે તેમ જ 2025ની સાલ સુધીમાં તમામ વાહનોના રજિસ્ટ્રેશનમાં ઓછામાં ઓછાં 10 ટકા વાહનો ઇલેક્ટ્રિક વાહનો હોવાં જોઈએ એવો લક્ષ્યાંક પણ સરકારે રાખ્યો છે. EV વાહનોની સંખ્યા વધવાની સાથે જ તેમના માટે ચાર્જિંગની પણ મોટા પાય પર સગવડ ઊભી કરવી પડશે.
આ વાહનો માટે 2025 સુધીમાં મોટા ભાગના હાઇવે પર ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવવાનાં છે. જેમાં નાગપુર-મુંબઈ સમુદ્રી કોરિડોર, મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-નાશિક અને નાશિક-પુણે હાઇવેનો સમાવેશ થાય છે. જોકે સરકારે ચાર્જિંગ સ્ટેશનો શહેરની હાઉસિંગ સોસાયટીમાં પણ ઊભાં કરવાની યોજના બનાવી છે. જે હાઉસિંગ સોસાયટીઓ પોતાના પરિસરમાં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરશે તેમને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાની સરકારે જાહેરાત કરી છે. એથી જે હાઉસિંગ સોસાયટી પાસે પોતાની મોટી જગ્યા હોય ત્યાં આ સગવડ ઉપલબ્ધ થઈ શકે છે.
લોકોને ઝોમેટોમાં અભૂતપૂર્વ વિશ્વાસ. માત્ર અમુક કલાકમાં જ આઇપીઓ ભરાઇ ગયો
અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે સરકારે જાહેર કરેલી મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વિહિકલ પૉલિસી-2021 લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળે એ માટે તેમને ઇન્સેન્ટિવ આપવાની સરકારે જાહેરાત કરી છે. એમાં ટૂ-વ્હીલર ખરીદનારાને 10,000 રૂપિયાનું, થ્રી વ્હીલર ખરીદનારે 30,000 રૂપિયા અને ફોર વ્હીલર ખરીદનારને દોઢ લાખ રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે, તો ઈ બસ માટે 20 લાખ રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે.