ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
19 સપ્ટેમ્બર 2020
મુંબઈ શહેર માંથી લોક ડાઉન ખસી ગયું છે, દુકાનો ખૂલી ગઇ છે. જોકે ઘરાકીના મામલે દુકાનદારો નિરાશ છે. માત્ર મુંબઈ નહીં પરંતુ દેશભરમાં ગ્રાહકોની ખરીદવાની વિચારસરણીમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. વિચારસરણીમાં થયેલા આ બદલાવને કારણે દુકાનદારો, સ્ટોકિસ્ટ અને હોલસેલરો પરેશાન છે.
લોક ડાઉન ખુલી ગયા બાદ લોકોની ખરીદી વધી ગઈ હતી.એક સમયે એવું લાગી રહ્યું હતું કે એક મહિનામાં બધું સામાન્ય થઈ જશે. જોકે આશાઓ ઠગારી નીવડી છે. આટલું જ નહીં અનેક દુકાનો એવી છે જે દિવસ પત્યા પછી પણ બોણી સુદ્ધા કરતી નથી. તમામ દુકાનો ખુલ્લી છે પણ ઘરાક નથી.
આમ થવા પાછળનું પ્રમુખ કારણ એવું છે કે ગ્રાહકો હવે દુકાનમાંથી એટલી જ વસ્તુ ખરીદે છે જેટલા ની તેને તાત્કાલિક જરૂર હોય. એટલે કે લોકો સંગ્રહખોરી ના બદલે માત્ર જરૂરિયાતો પૂરી કરે છે. ઉદાહરણ તરીકે માથામાં નાખવાના તેલ ની મોટી બાટલીના સ્થાને લોકો નાની બાટલી લેવી પસંદ કરે છે. તે પૂરી થઇ ગયા બાદ વધુ એક વાર નવી બાટલી ખરીદે છે. આ પેટર્ન કપડામાં, ખાધાખોરાકી માં, ઇલેક્ટ્રોનિક વસ્તુ માં દેખાઈ રહી છે.એક માર્કેટ રિસર્ચ કંપની એ આ સંદર્ભે સર્વે કરીને ખરીદદારોને પ્રશ્નો પૂછ્યા. લોકો એ જવાબ આપ્યો હતો કે લોક ડાઉન ને કારણે તેમની ખરીદશક્તિ ઘટી ગઈ છે. આ ઉપરાંત અત્યારે પૈસા બચાવવા માટે તેઓએ જ વસ્તુ ખરીદી રહ્યા છે જેની તેમને ખરેખર જરૂર હોય. લોકોના વ્યવહારમાં આવેલા આ બદલાવને કારણે મોંઘી વસ્તુઓ, ફેશનની વસ્તુઓ તેમજ એવી વસ્તુઓ જે જરૂરિયાતની સૂચિમાં આવતી નથી તે તમામ વસ્તુઓનું બજાર ડાઉન છે.
લોકોના આ બદલાયેલા અભિગમ પ્રમાણે અનેક દુકાનદારોએ પોતાનો માલ સામાન બદલવાની શરૂઆત કરી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે લોકોની ખરીદવાની આ પેટર્ન ક્યાં સુધી બરકરાર રહે છે.
