ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જુલાઈ, 2021
મંગળવાર.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના પહેલી ઑગસ્ટથી અમલમાં આવનારા નવા નિયમને કારણે નોકરિયાત વર્ગને અને પેન્શરોને રાહત થવાની છે. અત્યાર સુધી શનિવાર, રવિવાર અથવા તો સાર્વજનિક રજાને કારણે પગાર મેળવવા માટે કર્મચારીઓને રાહ જોવી પડતી હતી, પરંતુ હવે પગાર, પેન્શન અને EMI પેમેન્ટ જેવા મહત્ત્વના વ્યવહાર માટે વર્કિંગ ડેની રાહ જોવી પડશે નહીં. હવે રજાના દિવસે પણ આ કામ કરી શકાશે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નૅશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ એટલે કે (NACH)ના નિયમમાં બદલાવ કર્યો છે. એથી હવે આખું અઠવાડિયું આ સેવા મળશે. સાધારણ રીતે દર મહિનાની પહેલી તારીખે અથવા પહેલા અઠવાડિયામાં કર્મચારીઓનો પગાર થતો હોય છે, પરંતુ અમુક વખતે રજાને કારણે પગાર અટવાઈ જતો હોય છે.
જોકે હવે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા એ કાયમી સ્વરૂપની સમસ્યા દૂર કરી છે. બૅન્કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ એટલે (RTGS)નો લાભ અઠવાડિયાના તમામ દિવસ કરી આપવા માટે બૅન્કમાં નૅશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) સંબંધી નવા નિયમને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. એથી અઠવાડિયાના તમામ દિવસ હવે RTGS સેવા મળશે. રજાના દિવસે પગાર, પેન્શન ઍકાઉન્ટમાં જમા થઈ શકશે તેમ જ લોનનો હપ્તો પણ ભરપાઈ થઈ શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે. તમામ બૅન્કના કામકાજ આ સિસ્ટમથી ચાલે છે, જે નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે.