ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
ભારતીય રિઝર્વ બેન્કે લોન મોરેટોરિયમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી જણાવ્યું કે કોરોના વાયરસ માહમારીથી પ્રભાવિત ક્ષેત્રોને વધુ રાહત આપવાની હાલ કોઈ સંભાવના જણાતી નથી. મધ્યસ્થ બેન્કે સુપ્રીમ કોર્ટમાં વધુમાં જણાવ્યું કે લોન મોરેટોરિયમને છ મહિનાથી આગળ લંબાવી શકાય નહીં. આરબીઆઈના જણાવ્યા મુજબ છ મહિનાથી વધુ આગળ લોન મોરેટોરિયમ ક્રેડિટર્સની શાખને પ્રભાવિત કરી શકે છે. જેનાથી અર્થવ્યવસ્થામાં ઋણ નિર્માણની પ્રક્રિયા પર ખરાબ પ્રભાવ પડશે. નાના ઋણદાતાઓ પર વધુ અસર પડી શકે છે, કારણકે ઔપચારિક ઋણ પુરુ પાડતા માધ્યમો સુધી તેમની પહોંચ ક્રેડિટ ઈકોસિસ્ટમ પર નિર્ભર રહે છે.
સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમ કેસમાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરના યોજાશે. સુપ્રીમ કોર્ટે ગત સોમવારે જણાવ્યું હતું કે વ્યાજનું વ્યાજ માફ કરવા અંગે કેન્દ્ર દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટ સંતોષકારક નથી. કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને નવી એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું. પ્રથમ વખત દાખલ કરાયેલી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે રૂ. 2 કરોડ સુધીની લોન લેનારને વ્યાજનું વ્યાજ માફ કરવા જણાવ્યું હતું. જેનું ભારણ કેન્દ્ર સરકાર ઉઠાવશે અને તે અંદાજે 5,000થી 7,000 કરોડ આસપાસ રહી શકે છે. જો કે લોન મોરેટોરિયમમાં બેન્કો દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજ લેવાના મુદ્દે કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર લોનનું જ વ્યાજ લેવામાં આવે. મંદીમાં ચક્રવૃધ્ધિ વ્યાજ ભરી શકાય એમ નથી.