ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
પગાર મોડો થયો કે પછી બૅન્કના ખાતામાં પૈસા ન હોવાના સંજોગોમાં બૅન્કના ખાતામાંથી ઑટો-ડેબિટ થનારા પેમેન્ટ બાઉન્સ થતા હતા. એ માટે ગ્રાહકને દંડ પણ ચૂકવવો પડતો હતો. હવે જોકે રિઝર્વ બૅન્કનો ઓટો-ડેબિટનો નવો નિયમ આજથી અમલમાં આવી ગયો છે. એથી હવે રિચાર્જ અને યુટિલિટિ બિલ સહિત કોઈ પ્રકારના ઑટોમૅટિક રિકરિંગ પેમેન્ટમાં ઍડિશનલ ફેક્ટર ઑફ ઑથેન્ટિકેશન આજથી ફરજિયાત બનશે. એટલે કે નવી પૉલિસી મુજબ બૅન્કોએ ગ્રાહકોના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPIમાંથી કોઈ પ્રકારના પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની રકમ કાપવા અગાઉ ગ્રાહકોને 24 કલાક અગાઉ જણાવવું પડશે. આ ટ્રાન્ઝેક્શન ઑટોમૅટિક નહીં થશે. ગ્રાહકની મંજૂરી બાદ ઍકાઉન્ટમાંથી પૈસા ઑટો-ડેબિટ થશે. પાંચ હજારથી વધારે રકમની ચુકવણી માટે બૅન્કોએ ગ્રાહકને નવી માર્ગદર્શિકા મુજબ ગ્રાહકના મોબાઇલમાં વનટાઇમ પાસવર્ડ મોકલવો પડશે. એ બાદ જ ગ્રાહકના ઍકાઉન્ટમાંથી પૈસા કપાશે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સહિતની બૅન્કોએ પોતાના ગ્રાહકોને એની જાણ કરી દીધી છે. રિઝર્વ બૅન્કના RRB (રીજનલ રૂરલ બૅન્ક), NBFC (નૉન-બૅન્કિંગ ફાઇનાન્શિયલ કંપની) અને પેમેન્ટ ગેટવે તથા પ્રીપેઇડ પેમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ ઑટો-ડેબિટ અંગેના નવા નિયમોને અમલમાં મૂકવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવી હતી. એમાં ક્રેડિટ કાર્ડ કંપનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્કે કાર્ડના વ્યવહારમાં સલામતી વધારવા અને ગ્રાહકોની સુરક્ષા વધારો કરવા આ પગલાં લીધાં હોવાનો દાવો કર્યો છે.