ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જુલાઈ 2021
શુક્રવાર
કોરોનાને લગતા નિયમોમાં રાહત આપવાની સાથે રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ તેજી જણાઈ રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં જૂન મહિનામાં પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશનમાં ચાર ગણો વધારો થયો હોવાનું જણાયું છે. ફક્ત જૂન મહિનામાં જ 7,857 રેસિડેન્શિયલ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે. અત્યાર સુધીના કુલ રજિસ્ટ્રેશનમાં 42 ટકા રજિસ્ટ્રેશન ફક્ત જૂન 2021માં થયું છે.
મુંબઈ મેટ્રોપોલિટન રીજન એટલે કે ચર્ચગેટથી દહિસર અને કોલાબાથી મુલુંડ વિસ્તારમાં જૂન 2021માં 7,857 રેસિડેન્શિયલ પ્રૉપર્ટીનાં રજિસ્ટ્રેશન્સ થયાં હતાં. એની સામે જૂન 2020માં 1,839 રજિસ્ટ્રેશન થયાં હતાં, તો જૂન 2019ની સરખામણીમાં જૂન 2021માં 39 ટકા વધારે છે.
ગયા વર્ષની માફક આ વર્ષે પણ લૉકડાઉન હોવા છતાં રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો થયો હતો. રિયલ એસ્ટેટના નિષ્ણાતોના કહેવા મુજબ કોરોનાને ધ્યાનમાં રાખીને ભીડ થાય નહીં એ માટે મહારાષ્ટ્ર સરકારે ડિસેમ્બર 2020માં ઘર ખરીદનારાઓને સ્ટૅમ્પ ડ્યૂટી ભર્યા બાદ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ચાર મહિનાની છૂટ આપી હતી. એને પગલે ઘરની ખરીદી કરનારાઓએ 31 માર્ચ, 2021 સુધીમાં અથવા એના પહેલાં સ્ટૅમ્પ ડ્યૂટી ભરી હશે, તે લોકોને 31 જુલાઈ 2021 સુધીનો વિન્ડો પિરિયડ મળી ગયો છે. એને કારણે પણ જૂન મહિનામાં પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન્સ વધુ થયાં છે.
જૂનમાં ફર્સ્ટ સેલ એટલે કે નવા રહેઠાણનો વેચાણ-આંક 3300 એકમ રહ્યો હતો. જે મે મહિનામાં 1554 અને એપ્રિલમાં 710 રહેઠાણ રહ્યો હતો. નવા રહેઠાણ વેચાણમાં મહિલાના નામે રહેઠાણ ખરીદીનો કુલ હિસ્સો કુલ વેચાણમાં જૂનમાં 4.70 ટકા રહ્યો હતો, જે મે મહિનામાં 1.80 ટકા હતો.