News Continuous Bureau | Mumbai
Reliance Investment રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત માટે અત્યાર સુધીના સૌથી મોટા રોકાણની જાહેરાત કરી છે. રાજકોટમાં યોજાયેલી પ્રથમ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹7 લાખ કરોડનું નવું રોકાણ કરશે. આ રોકાણથી ગુજરાત ક્લીન એનર્જી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ ગુજરાતમાં ₹3.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેને હવે 2030 સુધીમાં બમણું કરવામાં આવશે.
જામનગર બનશે વિશ્વનું સૌથી મોટું ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ
મુકેશ અંબાણીના ક્લીન એનર્જી પ્લાન મુજબ, જામનગરને વિશ્વના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ક્લીન-એનર્જી ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. જામનગર, જે અત્યાર સુધી ભારતનું સૌથી મોટું હાઇડ્રોકાર્બન નિકાસકાર હતું, તે હવે ગ્રીન એનર્જી અને ગ્રીન મટીરિયલનું સૌથી મોટું નિકાસકાર બનશે. અહીં સોલર એનર્જી, બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ જેવા અત્યાધુનિક પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવશે.
કચ્છમાં દુનિયાનો સૌથી મોટો સોલર પ્રોજેક્ટ અને AI ક્રાંતિ
રિલાયન્સ કચ્છમાં મલ્ટી-ગીગાવોટ સોલર પ્રોજેક્ટ દ્વારા તેને ગ્લોબલ ક્લીન-એનર્જી હબમાં બદલવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત, ટેકનોલોજીના મોરચે પણ રિલાયન્સ ગુજરાતમાં મોટું પગલું ભરી રહ્યું છે. જામનગરમાં ભારતનું સૌથી મોટું એઆઈ-રેડી ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જીઓ ટૂંક સમયમાં ભારતીયો માટે એક ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની સ્વનિર્ભરતામાં વધારો કરશે.
આ સમાચાર પણ વાંચો : Makar Sankranti 2026 Rules: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર લક્ષ્મીજી થશે નારાજ અને થઈ શકે છે મોટું આર્થિક નુકસાન.
રોજગારીની તકો અને પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા
આ મેગા ઇન્વેસ્ટમેન્ટથી ગુજરાતમાં મોટા પાયે રોજગારી અને આજીવિકાની તકો ઊભી થશે. સમિટ દરમિયાન મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ દેશના આત્મવિશ્વાસને પુનઃસ્થાપિત કર્યો છે અને ભારતને ભવિષ્ય તરફ દોરી રહ્યા છે. અંબાણીએ ભાવુક થતા એમ પણ ઉમેર્યું હતું કે ગુજરાત રિલાયન્સનું ‘શરીર, હૃદય અને આત્મા’ રહ્યું છે અને કંપનીની આ રાજ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનતી રહેશે.
