ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોરોનાને પગલે 2020ની સાલમાં સમગ્ર દેશમાં ખેડૂતો કરતાં વધુ આત્મહત્યા વેપારીઓએ કરી હોવાનું સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે. બે વર્ષના લાંબા ગાળામાં નાના અને મધ્યમ વેપારીઓની નબળી સ્થિતિ અને ઓનલાઈન કંપનીઓ અને મોટા રિટેલ સ્ટોર્સના પ્રભાવને કારણે ઘણા વેપારીઓને તેમનો વ્યવસાય ગુમાવવો પડ્યો હતો. તેથી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT ) દ્વારા નાના વેપારીઓ માટે સરકાર પાસે રાહતની માંગણી કરવામાં આવી હતી. વેપારીઓને ફરી પોતાના પગ પર ઉભા થાય તે માટે નવી યોજનાઓ અમલમાં લાવવાનો અનુરોધ પણ કર્યો હતો. છેવટે CAIT ની માંગણીઓને ગંભીરતાથી ધ્યાનમાં લેતા સરકારે નાના વેપારીઓ માટે ટૂંક સમયમાં જાહેર થનારી પોલિસીમાં વેપારીઓને ચોરી, અકસ્માત કે કુદરતી આફતો સામે વીમા કવચ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલીઝ મુજબ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જાહેર કરવામાં આવનાર પ્રસ્તાવિત નીતિમાં વેપારીઓને ઓછા વ્યાજે લોન આપવી, ડિજિટલ ટ્રેડિંગ પદ્ધતિઓ પૂરી પાડવામાં મદદ કરવી અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ આપવાનો સમાવેશ થશે.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ પોલિસીનો હેતુ ઈ-કોમર્સ સામે સખત સ્પર્ધાનો સામનો કરી રહેલા વેપારીઓને મદદ કરવાનો છે. CAIT એ સતત સરકારી ઈ-કોમર્સ સેક્ટર પર ઓનલાઈન કંપનીઓ દ્વારા ખોટી પ્રથા અપનાવીને કરવામાં આવતા કારોબાર સામે નિયમનકારી સત્તાની રચનાની માંગણી કરી હતી અને ગ્રાહકો તરફથી સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી.
CAITએ તેની મિડિયા રિલિઝમાં કહ્યું હતું કે રિટેલ ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થાનું ત્રીજું સૌથી મોટું ક્ષેત્ર છે. દેશની નીતિનો મુખ્ય ધ્યેય વેપારીઓને તેમનો વ્યવસાય કરવામાં સરળતા વધારવાનો છે.
રિટેલ ક્ષેત્ર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 15 ટકાથી વધુ યોગદાન આપે છે. હાલમાં આ ક્ષેત્રમાં 50 મિલિયનથી વધુ લોકો રોજગારી આપે છે.
સરકારી અધિકારીઓના કહેવા મુજબ પ્રસ્તાવિત નેશનલ રીટેલ પોલિસીનો ઉદ્દેશ્ય રિટેલર્સને પ્રોત્સાહિત કરવા તેમજ કિરાણા સ્ટોર્સને મદદ કરવાનો છે. આ માટે વેપારીઓને જરૂરી લાયસન્સની સંખ્યા ઘટાડવા અને અન્ય જોગવાઈઓના પાલનમાં તેમને રાહત આપવાનો પણ પ્રસ્તાવ છે.