ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 ઓક્ટોબર 2020
ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) વચ્ચેના સોદા ઉપર સંકટના વાદળ ઘેરાયા છે. અમેરિકાની ઇ-કોમર્સ કંપની એમેઝોને આ સોદા સામે વાંધો ઉઠાવ્યો છે. આ સાથે જ માર્કેટ નિયમનકાર SEBI અને શેર બજારો (BSE અને NSE ) ને એક પત્ર લખીને સિંગાપોર આર્બિટ્રેશન કોર્ટને આ સોદામાં વચગાળાના નિર્ણયને ધ્યાનમાં લેવા વિનંતી કરી છે.
નોંધપાત્ર વાત એ છે કે વચગાળાના હુકમમાં આર્બિટ્રેશન કોર્ટે ફ્યુચર ગ્રુપ અને મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે 24,713 કરોડ રૂપિયાના સોદાની સમીક્ષા કરીને આ ડીલ ઉપર રોક લગાવી છે.
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર એમેઝોને ઇન્ડિયન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ માર્કેટ (SEBI), BSE અને નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ને વચગાળાના ઓર્ડરની નકલ શેર કરી છે. ફ્યુચર ગ્રુપ-RIL ડીલ વિવિધ નિયમનકારી સત્તાઓની મંજૂરીને આધિન છે. તેમાં SEBI અને ભારતીય કોમ્પિટિશન કમિશન (CCI)નો સમાવેશ થાય છે.
જો કે, બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) એમેઝોનની આ અપીલ પર કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ અને એક્સચેંજ બોર્ડનો સંપર્ક કરશે. BSE આ સોદા અંગે SEBIની સલાહ લીધા પછી ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ બંને પાસેથી સ્પષ્ટતા લેવાની યોજના બનાવી રહી છે.
@ શું છે એમેઝોન ફ્યુચરનો મામલો?
ગયા વર્ષે એમેઝોને ફ્યુચર કૂપન્સ ગ્રુપ નામની કંપનીની 49% હિસ્સેદારી ખરીદી હતી. ફ્યુચર કૂપન્સની, ફ્યુચર રિટેલમાં 7.3% હિસ્સેદારી હતી. એમેઝોનનું કહેવું છે કે RIL સાથેની આ ડીલ ગેરકાયદેસર છે કારણ કે તેમના એમેઝોન સાથેના કોન્ટ્રાકટમાં એવી સ્પષ્ટ શરત હતી કે ફ્યુચર ગ્રુપે કોઈ પણ હિસ્સો વેચવા પહેલા એમેઝોન સાથે વાત કરવી પડશે. આ રીતે બંને વચ્ચે અંદરોઅંદર પ્રતિસ્પર્ધા ન થાય તે માટે આ શરતનો ડીલમાં સમાવેશ કરાયો હતો. એમ પણ એમેઝોન તરફથી કહેવામાં આવ્યું છે..