ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. વેલેન્ટાઇન ડે ના દિવસે ગુલાબનું મહત્વ ખૂબ જ હોય છે. આ દિવસે લાલ ગુલાબની ડિમાન્ડ વધી જાય છે. લાલ ગુલાબનું ફૂલ એ પ્રેમનું પ્રતિક ગણાય છે. વેલેન્ટાઇન વીકમાં મોંઘી દાટ ગિફ્ટો આપ્યા પછી એક રેડ રોડ ખરીદવા માટે પ્રેમીઓએ ખિસ્સા ખાલી કરવા પડી શકે છે, કારણ કે ગુલાબના ફુલની કિંમત આસમાને પહોંચી છે. 15 થી 20 રુપિયામાં મળતા ગુલાબના ફુલની કિંમત 40 થી 50 રુપિયા સુધી પહોંચી છે.
‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી લાલ ગુલાબ વગર શક્ય નથી. પરિણામે વિવિધ વિસ્તારોમાં ગુલાબના અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે. ક્યાંક 40 થી 50 રુપિયા તો ક્યાંક 80 થી 100 રુપિયે વેચાઇ રહ્યા છે. તો ગુલાબના બુકેના ભાવ હજારને પાર પહોંચી ગયા છે. વિવિધ કલર ફુલ ગુલાબના બુકેના ભાવ 1000થી શરુ કરીને 3000 રુપિયા સુધી બજારમાં વેચાઈ રહ્યા છે. ફુલો વેચનાર પણ જણાવી રહ્યા છે કે વેલેન્ટાઇન ડે હોવાથી તેઓને આજે સારી કમાણી થઇ રહી છે.
હાલ લગ્નની પણ સિઝન ચાલી રહી છે. લોકો ચોરી અને મંડપમાં રિયલ ફુલોથી ડેકોરેશન કરવાનો આગ્રહ રાખે છે. પરિણામે હાલમાં ફુલોની ડિમાન્ડ વધારે છે. માત્ર ગુલાબ જ નહીં, ઓર્કિડ, તુલીપ, લીલી, જેવા વિદેશી ફુલો પણ હાઇ ડિમાન્ડમાં છે. લગ્નોમાં ગાડીના ડેકોરેશન તથા મંડપ ડેકોરેશનમાં વિદેશી ફૂલોની માંગ વધી છે. પરિણામે હાલમાં ફુલોના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે.