News Continuous Bureau | Mumbai
Stock market crash અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી એકવાર સૈન્ય સંઘર્ષ ભડકી ઉઠતાં તેની વિનાશક અસર ભારતીય સહિત વૈશ્વિક શેરબજાર પર જોવા મળી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેનો શાંતિ કરાર સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરાતા જ રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ આંતરરાષ્ટ્રીય રાજકીય ગરમાવાને કારણે આજે ભારતીય બજારમાં મોટો કડાકો બોલાયો છે. બપોરે ૨ વાગ્યા સુધીમાં બીએસઈ સેન્સેક્સ અંદાજે ૧૮૦૦ પોઈન્ટ અથવા ૨.૦૫ ટકા જેટલો ગગડીને ૭૬,૫૭૦ ની સપાટી પર આવી ગયો છે, જ્યારે એનએસઈ નિફ્ટી પણ ૪૯૩ પોઈન્ટ તૂટીને ૨૩,૯૦૭ પર ટ્રેડ કરી રહ્યો છે.
Stock market crash – એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ૮.૫૬ લાખ કરોડનો ઘટાડો
શેરબજારમાં આવેલા આ ભયાનક ભૂકંપના કારણે રોકાણકારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગત ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની કુલ સંપત્તિ ૪૮૦.૨૦ લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી, જે આજના કડાકા બાદ ૮.૫૬ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૭૧.૬૪ લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે. બજારના મતે આ આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાના કારણે મોટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો FII એ ભારતીય બજારમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચવાનું શરૂ કરી દીધું છે.
Stock market crash – જાણીતી કંપનીઓના શેરોમાં ૫ ટકા સુધીનો મોટો ઘટાડો
બપોરના કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં સામેલ દેશની અગ્રણી કંપનીઓના શેરો લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો), હિન્દુસ્તાન યુનિલિવર (HUL), મારુતિ સુઝુકી, આઈટીસી (ITC), એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેંક જેવી હેવીવેઇટ કંપનીઓના શેરોમાં ૫ ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. બજારના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ આજે ભારે દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે.
Stock market crash – આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ૭૮ ડોલરને પાર
ગઈકાલ રાતથી અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલાના કારણે કાચા તેલના સપ્લાય પર મોટું જોખમ ઊભું થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની સાથે જ આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ રાતોરાત ૬ ટકા વધીને પ્રતિ બેરલ ૭૮ ડોલર પર પહોંચી ગયા છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરતું હોવાથી ક્રૂડના ભાવ વધવા અને બજાર તૂટવા વચ્ચે દેશમાં મોંઘવારી વધવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રોકાણકારો અત્યારે નવી ખરીદી કરવાથી બચી રહ્યા છે.
👉 આ સમાચાર વાચો:
West Bengal Baruipur police encounter પ. બંગાળમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં રેપમર્ડરના આરોપીનું એન્કાઉન્ટર, માનવાધિકાર સંગઠનોએ ઉઠાવ્યા સવાલ