News Continuous Bureau | Mumbai
Silver Price અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ વધવાને કારણે સોમવારે દિલ્હી સરાફા બજારમાં સોના અને ચાંદીની કિંમતો ફરી એકવાર નવા શિખર પર પહોંચી ગઈ છે. માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં ₹89,300 નો તોતિંગ વધારો થયો છે, જેના કારણે તે ₹1,79,000 પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. 31 ડિસેમ્બર, 2024 ના રોજ ચાંદી ₹89,700 પ્રતિ કિલોગ્રામના ભાવે બંધ થઈ હતી, એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં તેણે રોકાણકારોને 99.55 ટકા જેટલું જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
સોનામાં પણ આવ્યો રેકોર્ડબ્રેક ઉછાળો
ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. માત્ર 10 મહિનામાં સોનું ₹49,000 મોંઘું થઈને ₹1.28 લાખ પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. આનાથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાએ તેના રોકાણકારોને 62.06 ટકા રિટર્ન આપ્યું છે. 31 ડિસેમ્બર, 2024 ના રોજ દિલ્હી સરાફા બજારમાં સોનું ₹78,950 પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું. એક એક્સપર્ટ એ જણાવ્યું કે અમેરિકા-ચીન વચ્ચેના નવા વેપાર તણાવને કારણે સુરક્ષિત રોકાણની માંગમાં આવેલી તેજીથી સરાફા કિંમતોમાં વધારો થયો છે. તહેવારોની માંગ અને કેન્દ્રીય બેંકોની સતત ખરીદીનો અસર પણ કિંમતો પર દેખાઈ રહ્યો છે.
વૈશ્વિક બજારમાં પણ ભાવ રેકોર્ડ ઊંચાઈ પર
સ્થાનિક બજારની સાથે-સાથે વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતો રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં સોનું બે ટકાના વધારા સાથે 4,084.99 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર પહોંચી ગયું, જ્યારે ચાંદીમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો અને તે 51.74 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલા આર્થિક અને રાજકીય તણાવને કારણે બુલિયન બજારમાં સતત તેજી જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Javed Akhtar: જાવેદ અખ્તરે ભારત સરકારને લીધી આડે હાથ! તાલિબાનના મંત્રીના સ્વાગત પર વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ.
તહેવારોની સિઝનમાં આભૂષણોની માંગ વધશે
કામા જ્વેલરીના સ્થાપક અને પ્રબંધ નિદેશક એ જણાવ્યું છે કે સોનાની રેકોર્ડ કિંમતો હોવા છતાં તહેવારોની સિઝનમાં રત્ન-આભૂષણોની માંગ મજબૂત રહેશે. જોકે, બજારમાં હળવા આભૂષણોની માંગ વધુ જોવા મળી રહી છે. પૂછપરછના આધારે, 9 કેરેટથી 18 કેરેટ સુધીના આભૂષણોની માંગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી શકે છે. વર્તમાન બજાર પરિદૃશ્યને જોતાં, તેમણે કુલ વેચાણમાં 18 ટકાથી 20 ટકાની તહેવારોની વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરી છે.