News Continuous Bureau | Mumbai
Union Budget 2024: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-2025 રજૂ કરતાં કહ્યું હતું કે, નવ નિર્ધારિત પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને બજેટ વિકસિત ભારતના લક્ષ્ય તરફની સફરને ઝડપી બનાવે છે.
કરવેરાને ( Taxation ) સરળ બનાવવા, કરદાતાની સેવાઓમાં સુધારો કરવા અને મુકદ્દમો ઘટાડવા માટે સરકારનો સતત પ્રયાસ રહ્યો છે એ વાત પર ભાર મૂકતાં નાણાં મંત્રીએ નોંધ્યું હતું કે, કરદાતાઓએ ( Taxpayers ) તેની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટેક્સનો 58 ટકા હિસ્સો નાણાકીય વર્ષ 2022-23માં સરળ કર વ્યવસ્થામાંથી આવ્યો છે અને ઉપલબ્ધ ડેટા મુજબ છેલ્લા નાણાકીય વર્ષમાં બે તૃતીયાંશથી વધુ લોકોએ નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાનો લાભ લીધો છે.
કરવેરાને સરળ બનાવવાના એજન્ડાને આગળ ધપાવતા કેન્દ્રીય નાણાં મંત્રીએ તેમના બજેટ ભાષણમાં અનેક પગલાંની રૂપરેખા આપી હતી. આવકવેરા ધારા, 1961ને સંક્ષિપ્ત અને સ્પષ્ટ બનાવવા માટે છ મહિનામાં તેની વિસ્તૃત સમીક્ષાની જાહેરાત કરતાં શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “તેનાથી કરદાતાઓને કરવેરાની નિશ્ચિતતા પ્રાપ્ત થશે, જે વિવાદો અને મુકદ્દમોમાં ઘટાડો કરશે.”

Simplifying taxation and improving services to taxpayers – Government’s continued effort: Union Finance Minister
કર-અનિશ્ચિતતા અને વિવાદોને ઘટાડવા માટેના અન્ય એક પગલામાં, પુનઃમૂલ્યાંકનનું સંપૂર્ણ સરળીકરણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. દરખાસ્તની રૂપરેખા આપતા, નાણામંત્રીએ જણાવ્યું હતું કે, મૂલ્યાંકન વર્ષના અંતથી ત્રણ વર્ષ પછી આકારણી માત્ર ત્યારે જ ફરીથી ખોલી શકાય છે જ્યારે બચી ગયેલી આવક આકારણીના અંતથી મહત્તમ પાંચ વર્ષના સમયગાળા સુધી રૂ. 50 લાખ કે તેથી વધુ હોય. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સર્ચ કેસમાં હાલની દસ વર્ષની સમય મર્યાદાની સામે સર્ચના વર્ષ પહેલાં છ વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
નાણાં બિલમાં સખાવતી સંસ્થાઓ માટે કર સરળીકરણની પ્રક્રિયા અને ટીડીએસની પ્રક્રિયા શરૂ કરતાં શ્રીમતી નિર્મલા સીતારમણે દરખાસ્ત કરી હતી કે સખાવતી સંસ્થાઓ માટે કરમુક્તિની બે વ્યવસ્થાઓને એકમાં ભેળવી દેવામાં આવશે. ઘણી ચુકવણીઓ પર 5 ટકા ટીડીએસ દરને 2 ટકા ટીડીએસના દરમાં ભેળવી દેવામાં આવી રહ્યો છે અને મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા યુટીઆઈ દ્વારા એકમોના રિપરચેઝ પર 20 ટકા ટીડીએસ દર પાછો ખેંચવામાં આવી રહ્યો છે. ઇ-કોમર્સ ઓપરેટર્સ પર ટીડીએસ દર એકથી ઘટાડીને 0.1 ટકા કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત પગાર પર કપાત કરવા માટે ટીડીએસમાં ટીસીએસની ક્રેડિટ આપવાની દરખાસ્ત છે. વધુમાં કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, આ માટે સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની નિયત તારીખ સુધી ટીડીએસની ચુકવણી માટે થયેલા વિલંબનું ડીક્રિમિનલાઇઝેશન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024: સરકાર પ્રધાનમંત્રીના પેકેજના ભાગરૂપે ‘રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન’ માટે 3 યોજનાઓ અમલમાં મૂકશે
જીએસટી હેઠળની તમામ મુખ્ય કરદાતા સેવાઓ અને કસ્ટમ્સ અને આવકવેરા હેઠળની મોટાભાગની સેવાઓના ડિજિટલાઇઝેશન પર પ્રકાશ પાડતા શ્રીમતી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે, આગામી બે વર્ષમાં સુધારણા અને અપીલ સંબંધિત આદેશોને અમલી બનાવતા ઓર્ડર સહિત બાકીની તમામ સેવાઓનું પણ ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને તેને કાગળરહિત બનાવવામાં આવશે.
એ માટે વિવિધ અપીલો પર દેખાતા સારા પરિણામોને સ્વીકારતા કેન્દ્રીય નાણાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુકદ્દમા અને અપીલો પર સરકારનું સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રહેશે. આ ઉદ્દેશને અનુસરીને અપીલમાં પડતર આવકવેરાના કેટલાક વિવાદોના નિરાકરણ માટે વિવાદ સે વિશ્વાસ યોજના, 2024ની જાહેરાત બજેટ ભાષણમાં કરવામાં આવી છે. આ ઉપરાંત ટેક્સ ટ્રિબ્યુનલ્સ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ ટેક્સ, એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ સંબંધિત અપીલ દાખલ કરવા માટે નાણાકીય મર્યાદા વધારીને અનુક્રમે ₹60 લાખ, ₹2 કરોડ અને ₹5 કરોડ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. નાણાં મંત્રીએ ઉમેર્યું હતું કે, મુકદ્દમો ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, ટ્રાન્સફર પ્રાઇસિંગ એસેસમેન્ટ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની સાથે સલામત બંદરના નિયમોનો અવકાશ વિસ્તૃત કરવામાં આવશે.
કરવેરાનો પાયો ઊંડો કરવા પર બોલતાં શ્રીમતી સીતારમણે બે મહત્ત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી હતી. પ્રથમ, સિક્યોરિટીઝના વાયદા અને વિકલ્પો પર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારીને અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા કરવાની દરખાસ્ત છે. બીજું, શેરોની બાય બેક પર પ્રાપ્ત થતી આવક પર ટેક્સ લગાવવાની દરખાસ્ત ઇક્વિટીના પગલા તરીકે કરવામાં આવી છે, એમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ દરખાસ્તોની અસર વિશે વિસ્તૃત વર્ણન કરતાં શ્રીમતી સીતારમણે તારણ કાઢ્યું હતું કે, પ્રત્યક્ષ કરવેરામાં આશરે રૂ. 37,000 કરોડ – પ્રત્યક્ષ કરવેરામાં રૂ. 29,000 કરોડ અને પરોક્ષ કરવેરામાં રૂ. 8,000 કરોડની આવક – જતી કરવામાં આવશે, જ્યારે આશરે રૂ. 30,000 કરોડની આવક વધારામાં સુવ્યવસ્થિત કરવામાં આવશે. આમ, કુલ આવક વાર્ષિક ₹ 7,000 કરોડ જેટલી જતી કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024: GST વ્યાપક પ્રમાણમાં સફળ છે, તેનાથી સામાન્ય માણસ પર કરવેરાનો બોજ ઓછો થયો છેઃ નાણામંત્રી